Bhavnagar : ભાવનગરના ચકચારી ડબલ મર્ડર કેસ (Bhavnagar double murder case)નો આરોપી કરીમ શેરઅલી અમદાવાદમાંથી ઝડપાઈ ગયો છે.  ચોક્કસ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે હત્યારા કરીમ શેરઅલીને અમદાવાદમાંથી ઉઠાવી લીધો, જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભાવનગરના ડબલ મર્ડર કેસના આ આરોપીએ 52 દિવસ પૂર્વે સવાઈગરની શેરીમાં માતા-પુત્રી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી હતી. 


હત્યારા કરીમ શેરઅલીએ ફરિયાલબેન અને તેમના માતા ફરીદાબેન ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં બન્નેનું મોત થયુ હતું. સવાઈગરની શેરીમાં દોઢ માસ પૂર્વે સિમેન્ટ-રેતી લઈ લેવા જેવી નજીવી બાબતમાં એક શખ્સે માતા-પુત્રી ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ  બનાવમાં સારવાર લઈ રહેલા માતા-પુત્રીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા ચકચાર મચાવનારી આ ઘટના ડબલ મર્ડર (Bhavnagar double murder case) માં પરિણમી હતી. ક્રાઇમ બ્રાંચ હત્યારા કરીમ શેરઅલીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે.  


ભાવનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી
ભાવનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે જેમા એક મહિલાનું મોત થયું છે.તારીખ 28 એપ્રિલના રોજ ગીતાબેન સોલંકી નામની મહિલાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર લઈ રહેલ મહિલાને અન્ય બ્લડ ગ્રુપનું લોહી ચડાવી દેતાં મોત નીપજ્યું હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. મૃતકના પરિવારજનોએ પેનલ પી.એમ ની માંગ કરી છે. આ ઉપરાંત જો યોગ્ય ન્યાય નહીં મળે તો લાશ સ્વીકારશે નહીં તેવું પણ પરિવારજનો કહી રહ્યા છે. તો બીજી તરફ બેદરકારી દાખવનાર ડોક્ટર પર એફઆઈઆર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને દલિત સમાજના લોકો એકઠા થઈ રહ્યા છે અને આ ઘટના અંગે યોગ્ય ન્યાયની માગ કરવામાં આવી છે. જો કે આ ઘટના અંગે તે વિભાગના એચઓડીએ સમગ્ર વાતનો ઇનકાર કરી દીધો છે.