Crime News: સુરતમાં હત્યાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ડીંડોલીમાં વધુ એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના નવાગામ ડીંડોલી ખાતે રહેતો યુવક રાજા વર્માની અન્ય બે યુવકો દ્વારા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. ગત મોડી રાત્રે બે યુવકો ડીંડોલીમાં રેલવે ટ્રેકની ગલીમાં રાજા વર્મા સાથે ઝઘડો કરતા હતા. આ દરમિયાન અચાનક જ બંને યુવકો રાજા વર્માને માર મારવા માંડ્યા હતા. અચાનક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવા માંડ્યા હતા. જીવણ અને સંદીપ નામના બંને યુવકોએ સાથે મળી રાજા વર્મા પર તીક્ષ્ણ હથિયાર અને ચપ્પુ વડે હુમલો કરી રાજા વર્માનું ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધું હતું.


હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જીવણ અને સંદીપ રાજા વર્માને તિક્ષ્ણ હથિયાર વડે મારી રહ્યા હતા. ત્યારે રાજા વર્માનો મિત્ર સંદીપ રાય ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન હુમલો કરનાર બંને યુવકોએ આ પણ રાજા વર્માનો મિત્ર છે, એમ કહી તેની પર પણ હુમલો કર્યો હતો .જોકે સંદીપ રાય દ્વારા બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. જેથી હુમલો કરનાર બંને યુવકો ત્યાંથી નાસી છૂટયા હતા. સંદીપ રાયને પગના ભાગમાં નાની મોટી ઈજાઓ પહોંચતા તેનો જીવ બચી ગયો હતો .જોકે ત્યારબાદ સંદીપ રાય પાસેથી જાણવા મળ્યું હતું કે રાજા વર્મા અને મારનાર સંદીપ અને જીવણ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. એ બંને વચ્ચેનો કઈ બાબતનો ઝઘડો છે, એની માહિતી તો ચોક્કસથી ખબર નથી પરંતુ તેની અદાવત રાખીને જ રાજા વર્માની હત્યા કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.


આરોપી ના નામ


(૧) સંદિપ ઉર્ફે લેપટ્યા ઈંગલ લક્ષમણ આગળે  
(૨) જીવણ ઉર્ફે માંજરો લક્ષ્મણ ઉર્ફે લખા મંગાભાઈ ચૌહાણ.


નવાગામ ડીંડોલીના રેલવે ટ્રેકની ગલીમાં બનેલ ખુનીખેલમાં રાજા વર્માની હત્યા કરી બંને યુવકો નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જેની પર હુમલો થયો હતો તે બંને યુવકોને પોલીસે તાત્કાલિક 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. જોકે સ્મીમેર હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ રાજા વર્માને મૃત જાહેર કર્યો હતો.જ્યારે અન્ય એક યુવક સંદીપની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસે હુમલો કરી હત્યા કરનાર કરનાર બંને યુવકો સામે હત્યા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બંને યુવકોને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે.