ભચાઉઃ ગઈ કાલે તાલુકાના ખારોઈ નજીક ચોબારીના યુવકને ચાર ચાર ગોળી મારીને હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ હત્યાકાંડ પ્રેમપ્રકરણમાં થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ યુવતીને કારણે જ યુવકની હત્યા કરવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. યુવાન પર ધોળા દિવસે ચાર રાઉન્ડ ફાયરીંગ કરી ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યો હતો. મોડી સાંજે યુવાનનું સારવાર દરમિયાન મોત થતા ભારે ચકચાર પ્રસરી છે. 


ભચાઉ તાલુકાના ચોબારી ગામના આહીર યુવાન માવજીભાઈ ભુરાભાઈ વરચંદ અને શામજીભાઈ વિસાભાઇ વરચંદ વચ્ચે ચારેક વર્ષ પહેલા કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. ચાલી રહેલી ચર્ચાઓ અને સૂત્રોના હવાલાથા સ્થાનિક અખબારોમાં અપાયેલા અહેવાલ પ્રમાણે,  બંને યુવકો વચ્ચે છેલ્લા 4 વર્ષોથી યુવતી સાથેના પ્રેમપ્રકરણ મુદ્દે માથાકૂટ થઇ રહી હતી. આ બોલાચાલીએ ગઈ કાલે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફાયરીંગ કરી યુવકને ઠાર કરી નાંખ્યો હતો. 


મંગળવારે સવારે 11-30 વાગ્યે ખારોઈ ગામ નજીક આવેલી નર્મદા કેનાલ પર 29 વર્ષીય માવજીભાઈ વરચંદ પસાર થઇ રહ્યો હતો, ત્યારે આરોપી શામજીભાઈ વરચંદે તમંચો કાઢી 4 વખત ગોળીબાર કર્યો હતો. ફાયરીંગમાં માવજીભાઈના શરીરમાં 4 ગોળી વાગી હતી. ફાયરિંગના ઘડાકા સાંભળી આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ઘાયલ માવજીભાઈને સારવાર માટે પ્રથમ ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે આદિપુરની ડિવાઇન લાઇફ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં યુવાનનું મોડી સાંજે તેનું મોત થયું હતું. બનાવ બાદ આરોપી ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવ સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ટાઉન બન્યો છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે કવાયત શરૂ કરી છે. 


Kutch : માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ દરમિયાન 25 ફૂટ ઊંચેથી નીચે પટકાયો યુવક
કચ્છઃ કચ્છના માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગમાં 25 ફૂટ ઊંચેથી ભુજનો યુવાન નીચે પટકાયો છે. ગાડી ચાલકે અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરતાં દુર્ઘટના સર્જાઈ. કોઇ સેફ્ટીના સાધન ન હોવાને કારણે યુવાન ઊંચેથી નીચે પટકાયો. માંડવી બીચ પર પેરાગ્લાડિંગની ગાડી ચલાવતાં બ્લૂસ્ટાર વોટર પેરાશૂટના ગાડીચાલક વિરુદ્ધ ચાર દિવસ બાદ ફરિયાદ નોંધાઈ.


પેરાશૂટ બંધ કરવા કચ્છ કલેક્ટરે માંડવી પોલીસને ગત 13 નવેમ્બર 2021ના લેખિત આદેશ આપ્યો હતો. માંડવી પોલીસે કોઇ જ દરકાર ન કરી જેને કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટના સામે આવતાં પોલીસે આરોપી ગાડીચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ અંગેની વધુ વિગતો એવી છે કે, મકરસંક્રાંતિના દિવસે ભૂજનો રીફ સલીમ બલોચ (ઉં.વ.23) માંડવી બીચ પર ફરવા ગયો હતો. પેરાગ્લાડિંગની ગાડીમાં બેસીને ઉડાન કરી રહ્યો હતો ત્યારે ચાલકની બેદરકારીને કારણે 25 ફૂટથી નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલકે 25 ફૂટ ઊંચે પેરાશૂટ ઉડાડીને અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરી દેતાં કોઇ સેફટીના સાધન ન હોવાને કારણે ફરિયાદી ઊંચેથી નીચે પટકાયો હતો. 


આ દુર્ગટનામાં યુવકને  કમરના ભાગે ઇજા પહોંચી હતી.  ઘટના સામે આવતાં પોલીસે આરોપી ગાડીચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.