Crime News: સુરત ગ્રામ્યના માંગરોળ તાલુકાના બોરિયા ગામે એક ચકચારિત બનાવ સામે આવ્યો છે. જ્યાં એક યુવકે યુવતીની ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે યુવકને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને પ્રેમ પ્રકરણમાં આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવતીનું નામ તેજશ્વિની ચૌધરી છે, જ્યારે યુવકનું નામ સુરેશ કાલિદાસ જોગી છે.  બંને ધોરણ 12 સુધી વાડી ખાતે સાથે અભ્યાસ કરતા હતા. સુરેશ મૂળ નર્મદા જિલ્લાનો વતની છે અને હાલમાં પલસાણા તાલુકાના ગંગાધરા ગામે રહે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સુરેશ આજે યુવતીને મળવા માટે વાંકલ આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કોઈ કારણોસર બંને વચ્ચે અણબનાવ થયો હતો. જેના પગલે ઉશ્કેરાયેલા સુરેશે ચાકુ વડે તેજશ્વિનીનું ગળું કાપી નાખ્યું હતું. તેજશ્વિની લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું.  હત્યા કર્યા બાદ સુરેશે પણ એ જ ચાકુ વડે પોતાના ગળાના ભાગે ઇજા કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે.

ઘટનાની જાણ થતાં જ માંગરોળ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે યુવતીના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઘાયલ સુરેશને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, તેજશ્વિની વાંકલની અટલ બિહારી બાજપાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.  પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, હત્યાનું ચોક્કસ કારણ શું હતું અને શું ખરેખર આ પ્રેમ પ્રકરણનો મામલો છે કે કેમ.       

આ પણ વાંચો....

ભાજપની દાનથી ધમધોકાર કમાણી: 2024માં 4340 કરોડ એકત્ર કર્યા, જાણો કોંગ્રેસ અને AAP ને કેટલા મળ્યા?