મોરબીઃ મોરબી પોલીસે હનીટ્રેપકાંડનો પર્દાફાશ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, મોરબીના જૂના દેવળિયા ગામના એક યુવકને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે આ મામલે એક યુવતી સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી યુવતી ફાઇનાન્સ પેઢીની કર્મચારી હોવાનું કહીને યુવકને લોન માટે વારંવાર ફોન કરતી હતી. બાદમાં એક આરોપીએ યુવકને ધમકાવ્યો હતો કે તું કેમ મારી પત્ની સાથે ફોન પર વાત કરે છે એમ કહીને ધમકાવ્યો હતો. જેનાથી ગભરાઇને યુવકે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેનાથી આરોપીઓ પીડિત યુવકના ઘરે પહોંચી ગયા હતા અને 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.


આખરે કંટાળીને યુવકે પોલીસ ફરિયાદ કરતાં યુવતી સહિત 4 આરોપીને ઝડપી લીધા હતા. જયદીપસિંહ જાડેજા નામનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે જામનગરમાં અપહરણ અને ખંડણીના ગુના નોંધાઈ ચૂક્યા છે. તો શ્યામ રબારી નામનો એક આરોપી હજુ ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.


યુવકની ફરિયાદ અનુસાર, દોઢ બે માસ પૂર્વે વોટસએપ કોલ કરીને પ્રિયા નામની યુવકીએ રાજકોટ દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્સ પેઢીમાંથી બોલતી હોવાની ઓળખ આપી કાર લોન બાબતે ફોન કરતી હતી. જેનો ગેરલાભ લઇને આરોપી શ્યામ રબારીએ યુવકને ફોન પર ધમકાવી ગાળો આપી તું મારી પત્ની સાથે ફોન પર કેમ વાતો કરે છે કહીને ઘરેથી ઉપાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આરોપી જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેમજ રવિ દિલીપ ખટાણા વચ્ચે પડી મુખ્ય આરોપી શ્યામ રબારી સાથે સમાધાનની વાત થઇ ગયેલ છે અને દસ લાખ તેને ચૂકવી દીધા છે જે રૂપિયા તારે આપવા પડશે કહીને ધમકી આપી હતી.


જેથી ફરિયાદી યુવાને મોબાઈલ ફોન બંધ કરી દેતા પિતાના મોબાઈલ પર ફોન કરી દીકરાનું સમાધાન કરાવેલ છે તેના દસ લાખ રૂપિયાની માંગણી કરી દીકરાને ઉપાડી જઈને મારી નાખશું તેવી ધમકી આપી હતી. યુવકની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસના પીએસઆઈ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. આરોપી જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રવિ દિલીપ ખટાણા, મયુર ગોવિંદ ખટાણા અને બીલનબેન દોશી એમ ચાર આરોપીને ઝડપી લીધા છે તો આરોપી જયદીપસિંહ પર આગાઉ જામનગર પોલીસમાં અપહરણ તથા ખંડણીના કેસ નોંધાયેલા છે. તેમજ આરોપી શ્યામ રબારીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે