સુરત: સુરતના હજીરા વિસ્તારના દરિયાકિનારેથી સુરત પોલીસને વધુ 10 કિલો 34 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો છે. જેની કિંમત 5 કરોડ 1 લાખ 70 હજાર રૂપિયા છે. આ અગાઉ પોણા બે કરોડ રૂપિયાનું ચરસ હજીરાના દરિયા કિનારેથી મળ્યુ હતું. ત્યારબાદ ડ્રોન સર્વેલન્સ અને સ્થાનિક પોલીસ, મરીન પોલીસ તેમજ માછીમારોને સાથે રાખી સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું.


સુરતના હજીરા વિસ્તારમાં દરિયા કિનારા પરથી પેટ્રોલિંગ દરમિયાન SOGની ટીમને પોણા બે કરોડ રૂપિયાનું ચરસ મળી આવ્યું હતું. આ ચરસ મળ્યા બાદ પોલીસ દ્વારા હજીરાના એસ્સાર કંપનીની પાછળના ભાગે આવેલા દરિયા કિનારા પર સઘન તપાસ કરવામાં આવી હતી. સ્થાનિક હજીરા પોલીસ, માછીમારો, મરીન પોલીસ તેમજ એસ ઓ જી ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ડ્રોન સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવ્યું હતું. અને આ તપાસ દરમિયાન હજીરાના દરિયા કિનારા પરથી એસ્સાર જેટીની બાજુમાં રીપ્લાયમેન્ટ એરિયાના દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં ચરસના 7 પેકેટ મળી આવ્યા હતા.


આ ચરસનું વજન 10 કિલો 34 ગ્રામ છે અને તેની કિંમત 5 કરોડ 1 લાખ 70 હજાર રૂપિયા થાય છે. ત્યારે સુરત પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલાક ડ્રગ્સ માફિયાઓ દ્વારા આ અફઘાની ચરસ દરિયાઈ માર્ગે સપ્લાય કરવામાં આવી રહ્યુ હોય તે સમયે સુરક્ષા એજન્સીઓના ડરના કારણે આ ચરસ દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હોઈ શકે છે અને પાણીના વહેણ સાથે આ ચરસ તણાઈને સુરત તેમજ નવસારીના દરિયા કિનારા ઉપર પહોંચી રહ્યું છે.  બીજી તરફ આ સમગ્ર તપાસ બાબતે સુરત પોલીસ દ્વારા ATSની પણ મદદ લેવામાં આવી છે અને જરૂર પડ્યે કેન્દ્રીય એજન્સીની પણ મદદ લેવામાં આવશે.


મહત્વની વાત છે કે વર્તમાન સમયમાં રોડ તેમજ ટ્રેનના માર્ગે ડ્રગ્સની સપ્લાય થતી હતી. તેને લઈને સુરત પોલીસ દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે દરિયાઈ માર્ગે હવે ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ થતો હોવાનું ધ્યાને લઇ સુરત પોલીસ કમિશનર દ્વારા SOGની ટીમને દરિયા કિનારા પર સઘન પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી અને તેને લઈ પોલીસની ટીમ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 


ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી


આ ઉપરાંત માછીમાર તેમજ કાંઠાના વિસ્તારના બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન  અફઘાની ચરસનો જથ્થો મળ્યો હતો. ત્યારે આ રેકેટમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ કેસ બાબતે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાને લઇ હજીરા પોલીસ સ્ટેશનમાં NDPS અધિનિયમ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.


ચાલુ વર્ષે બે કેસ કરવામાં આવ્યા છે


બીજી તરફ સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે દરિયા કિનારા પર વસતા નાગરિક તેમજ માછીમારો દરિયાકાંઠે ફરવા જતા સહેલાણીઓ જો આ પ્રકારનું કોઈપણ ચીજ વસ્તુ જુએ તો તાત્કાલિક જ તેમને લોભ લાલચમાં આવ્યા વગર સુરત પોલીસનો સંપર્ક કરવો.  બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ચરસને સ્ટારબક્સ કોફીના પેકેટમાં પેક કરીને સપ્લાય કરવામાં આવતા હતા. જેથી સુરક્ષા એજન્સીઓને એવું થાય કે કોફીની સપ્લાય થઈ રહી છે આ ઉપરાંત ચરસમાં પાણી ઘુસી ન જાય એટલા માટે પણ સ્ટારબક્સ કોફીના પેકેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરત શહેર પોલીસ દ્વારા ગત વર્ષે 19 કરોડનું ચરસ પકડવામાં આવ્યું હતું અને અલગ અલગ ત્રણ કેસ કરવામાં આવ્યા હતા. ત્યારે ચાલુ વર્ષે બે કેસ કરવામાં આવ્યા છે અને 6 કરોડ કરતાં વધારે રૂપિયાનું ચરસ પોલીસને દરિયા કિનારા પરથી મળી આવ્યું છે.