Crime News: મધ્યપ્રદેશના ઈન્દોરમાં સુટકેસમાં મળી આવેલી અર્ધબળેલી લાશ કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ વ્યક્તિની હત્યાના આરોપમાં પોલીસે મૃતકની પત્ની, પુત્રી અને જમાઈની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ મામલે મૃતકની પત્ની જ માસ્ટર માઇન્ડ છે. તેણે પતિની હત્યા કરી હતી અને લાશને ઠેકાણે લગાવવા માટે 600 કિમીનું અંતર કાપી ઈન્દોર આવી હતી. જ્યાં સુમસાન ખેતરમાં પેટ્રોલ નાંખીને લાશને સળગાવી હતી. પોલીસે ઈન્દોરથી મુંબઈ સુધીના સીસીટીવી શોધીને ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.


શું છે મામલો


ઈન્દોરના રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રવિવારે સવારે નિહાલપુર મુંડી ખાતે એક ખેતરમાં ટ્રોલી બેગમાંથી અડધી બળેલી લાશ મળી હતી. પોલીસે આ મામલે ખુલાસો કરતાં મુંબઈના કલ્યાણમાં રહેતા 60 વર્ષીય રાજકુમારી મિશ્રા, તેના જમાઈ ઉમેશ શુક્લ અને પુત્રી નમ્રતા શુક્લી અટકાયત કરી પૂછપરછ હાથ ધરતાં પત્નીએ જ પુત્રી-જમાઈ સાથે મળી હત્યા કર્યો હોવાનો ખુલાસો થયો હતો.


પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે, તેણે તેના પતિના માથા પર પ્રહાર કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ રાજકુમારીએ જ શબને ટ્રોલી બેગમાં પેક કર્યો અને જમાઈ ઉમેશની કારની ડિકીમાં રાખી ઈન્દોર લઈ ગઈ અને સુમસામ જગ્યા જોઈ પેટ્રોલ છાંટી આગ લગાવી હતી. આરોપી મહિલાનો જમાઈ મુંબઈના એક જાણીતી કંપનીમાં નોકરી કરે છે. ચેક પોસ્ટ પર પોલીસ તપાસ ન કરે એટલા માટે તેણે બાળકોને પણ બેસાડ્યા હતા. પોલીસે ટોલનાકા, હોટલ અને ઢાબાના સીસીટીવી ચેક કર્યા જેમાં એક કાર ઘટના સ્થળ આસપાસ નજરે પડી હતી. જે બાદ પોલીસ ટોલનાકાની કડીઓ જોડતી ગઈ અને ઈન્દોર પોલીસ ઉમેશ સુધી પહોંચી. તેનું લોકેશન ઈન્દોર મળતા જ તે સ્થળ પર હાજર હોવાની પુષ્ટિ થઈ.


પોલીસે પૂછપરછ કરતાં જ તે ભાંગી પડ્યો અને કબૂલાત કરી લીધી. પોલીસે રાજકુમારીની ધકપકડ કરી પૂછતાં તેણે પતિ સંપતલાલ મિશ્રા સાથે વિવાદ રહેતો હોવાનું જણાવ્યું. ગત શનિવારે માથાકૂટ બાદ તેણે પતિને ધક્કો મારતાં નીચે પડી જતાં માથામાં વાગ્યું હતું. જે બાદ હોસ્પિટલ લઈ જવાના બદલે બેગમાં પેક કરી દીધો હતો. આ બાદ તેણે પુત્રી નમ્રતાને સમગ્ર ઘટના બતાવી અને ઉમેશ સાથે મળી શબને કારમાં લઈ જઈ ઈન્દોરમાં સળગાવી દીધું.