મુંબઈના મીરા રોડ વિસ્તારની આકાશગંગા સોસાયટીમાં એક મહિલાની ઘાતકી હત્યાની ઘટના બની હતી. પોલીસે ઘટનાસ્થળેથી મહિલાના મૃતદેહના અનેક ટુકડાઓ કબજે કર્યા છે. પોલીસનું કહેવું છે કે તે સોસાયટીમાં તેના એક મિત્ર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને બાદમાં તેના શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતીના મૃતદેહના ટુકડાને મિક્સરમાં ક્રશ કરી કર્યા હતા. બાદમાં મૃતદેહના ટૂકડાને કુકરમાં બાફી ગટરમાં નાખી તેનો નિકાલ કર્યો હતો.
ડીસીપી જયંત બજબાલેએ જણાવ્યું હતું કે મૃતક મહિલાની ઓળખ 32 વર્ષીય સરસ્વતી વૈધના રૂપમાં થઇ છે. તે છેલ્લા ત્રણ વર્ષથી તેના 56 વર્ષીય મિત્ર મનોજ સાહની સાથે આકાશગંગા સોસાયટીમાં ભાડાના ફ્લેટમાં લિવ ઇનમા રહેતી હતી. તેમણે કહ્યું હતું કે સમગ્ર મામલાની હજુ તપાસ ચાલી રહી છે. ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સોસાયટીના સાતમા માળેથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાની હત્યા કર્યા બાદ તેના શરીરના અનેક ટુકડા કરી દેવામાં આવ્યા હતા.
પોલીસે મૃતકના પાર્ટનરની અટકાયત કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને શંકા છે કે મહિલાના પાર્ટનરે તેની નિર્દયતાથી હત્યા કરી હતી. તીક્ષ્ણ છરી વડે લાશના ટુકડા કરવામાં આવ્યા હતા. પોલીસે લિવ-ઈન પાર્ટનરની હત્યા અને તેના શરીરના અનેક ટુકડા કરવાના આરોપમાં પૂછપરછ માટે મૃતકના પાર્ટનરની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. ત્યારબાદ જ હત્યાનું કારણ સ્પષ્ટ થશે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.