Una crime News: ગુજરાતના ઉના નજીક આવેલા નવાબંદરના કોસ્ટલ દરિયાકાંઠાના વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને અમાનવીય ઘટના સામે આવી છે. અહીં 50 વર્ષીય આધેડ મહિલા પર ત્રણથી વધુ અજાણ્યા નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમો ફરાર થઈ ગયા હતા અને મહિલાને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે તેમની તબિયત અત્યંત નાજુક બની ગઈ છે. ગંભીર હાલતને કારણે તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવા માટે તાત્કાલિક ધોરણે ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે.

Continues below advertisement

આધેડ મહિલાની એકલતાનો લાભ ઉઠાવ્યો

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, આ અમાનુષીય ઘટના આશરે ત્રણ દિવસ પહેલાં કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં બની હતી. પીડિત મહિલા એકલા રહેતા હતા, જેનો લાભ ઉઠાવીને ત્રણથી વધુ શખસોએ તેમને ફોસલાવ્યા અને સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યું. નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે એટલી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી કે તેમની તબિયત ગંભીર રીતે લથડી ગઈ.

Continues below advertisement

દુષ્કર્મ બાદ નરાધમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાઓ અને અસહ્ય પીડાને કારણે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસસ્થાને જ પડી રહ્યા હતા અને સારવાર લઈ શક્યા નહોતા.

સંબંધિત યુવકની મદદથી સમગ્ર ઘટના સામે આવી

મહિલાની તબિયત વધુ બગડતાં, તેમણે દ્વારકામાં માછીમારી (ફિશિંગ) કરતા એક યુવકનો સંપર્ક કર્યો, જેની સાથે તેમને છેલ્લાં સાત વર્ષથી સંબંધ હતા. યુવક તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.

હોસ્પિટલમાં ફરજ પરના તબીબે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ પીઆઈ મહેન્દ્રસિંહ રાણા અને મરીન પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો. મહિલાની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. દરમિયાન, ઊના હોસ્પિટલના ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરાતાં, ઊનાના નાયબ મામલતદાર દ્વારા પીડિતાનું ડાઈંગ ડિક્લેરેશન પણ લેવામાં આવ્યું છે. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.