Nikki Yadav Murder Case: ગુરુવારે (16 ફેબ્રુઆરી) નિક્કી યાદવના મર્ડર કેસમાં નવો ખુલાસો થયો છે. નિક્કીની હત્યા કર્યા બાદ આરોપી સાહિલ ગેહલોતે તેના મોબાઈલમાંથી તમામ ચેટ ડિલીટ કરી દીધી હતી.


દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, "આરોપી સાહિલ ગેહલોતે અમને કહ્યું હતું કે તે 23 વર્ષની નિક્કી યાદવની હત્યાના 15 દિવસ પહેલા ઉત્તમ નગરનું ઘર છોડીને ગયો હતો પરંતુ 9 ફેબ્રુઆરીએ તેની સગાઈ થયા બાદ તે ફરીથી નિક્કીના ઘરે ગયો હતો અને ત્યાં રાત્રે રોકાયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નિક્કીએ ગોવા જવાનો પ્લાન બનાવ્યો અને ટિકિટ પણ બુક કરાવી હતી પરંતુ જ્યારે તેણે ટ્રાવેલિંગ એપ દ્વારા સાહિલની ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું તો બુક થઇ નહી. આ કારણોસર બંનેએ હિમાચલ પ્રદેશ જવાનું નક્કી કર્યું હતું.


હત્યાના દિવસે શું થયું હતું?


ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસે જણાવ્યું હતુ કે નિક્કી અને આરોપી સાહિલ ગેહલોત હિમાચલ પ્રદેશ જવા માટે નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પહોંચ્યા પરંતુ અહીં જાણવા મળ્યું કે બસ આનંદ વિહાર ટર્મિનલથી મળશે. ત્યારબાદ જ્યારે બંને આનંદ વિહાર પહોંચ્યા તો તેમને કહેવામાં આવ્યું કે કાશ્મીરી ગેટથી હિમાચલ માટે બસ મળશે.


પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે નિક્કી અને સાહિલે કાશ્મીરી ગેટ સુધી પહોંચવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને દિલશાદ ગાર્ડનનો રસ્તો લીધો હતો, પરંતુ નિગમબોધ ઘાટની બહાર બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ કારણોસર સાહિલે તેની હત્યા કરી હતી. આ પછી એક બાજુ નિક્કીની ડેડ બોડી પડી હતી અને બીજી બાજુ સાહિલ તેની ચેટ્સ ડિલીટ કરી રહ્યો હતો. આ પછી તે જનકપુરી, પશ્ચિમ વિહાર થઈને પોતાના મિત્રાંવ ગામ પહોંચ્યો હતો.


સાહિલ ગેહલોત શું ઇચ્છતો હતો ?


આરોપી સાહિલ પણ નિક્કી સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેનો પરિવાર તેના માટે તૈયાર નહોતો. તેના પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે તે તેમની પસંદની છોકરી સાથે લગ્ન કરે. જ્યારે નિક્કીની હત્યા બાદ નિક્કીના પિતાનો સંપર્ક થઈ શક્યો ન હતો. પરંતુ બાદમાં નિક્કીના પિતાએ આરોપીને બે વાર ફોન કર્યો હતો અને દીકરી વિશે પૂછ્યું હતું. આ અંગે સાહિલે કહ્યું હતું કે તેમની દીકરી ટ્રીપ પર ગઈ છે અને તેને આ અંગે કંઈ ખબર નથી.


નોંધનીય છે કે પોલીસે ડેટા રિકવર કરવા માટે મોબાઈલને ફોરેન્સિક લેબમાં મોકલી દીધો છે. પોલીસે જણાવ્યું કે આ ઘટનાનો ખુલાસો હત્યાના ચાર દિવસ પછી 14 ફેબ્રુઆરીએ થયો હતો જ્યારે પોલીસને ગેહલોતના કહેવા પર રેફ્રિજરેટરમાંથી પીડિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.