Mumbai : દિલ્હીના ચકચારી શ્રદ્ધા વાકર હત્યા કેસ હજી સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી પરંતુ શ્રદ્ધાના કેસની ધમકીઓ આપવામાં આવી રહી છે. તાજેતરમાં જ એક વિધર્મી યુવકે તેની પ્રેમિકાને શ્રદ્ધા કરતા પણ ખરાબ હાલત કરવાની ધમકી આપી આપી હતી. આ ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી છે.  

મહારાષ્ટ્રના ધુલે શહેરના પશ્ચિમ દેવપુર પોલીસ સ્ટેશનમાં લિવ-ઈનમાં રહેતી એક યુવતીએ તેના પાર્ટનર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવક લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને પીડિતાને હેરાન કરતો હતો. જ્યારે આરોપીએ પીડિતા સાથે શ્રદ્ધા હત્યા જેવી ઘટનાને અંજામ આપવાની ધમકી આપી હતી. જેન લઈને પીડિતાએ આ અંગે પોલીસને જાણ કરી હતી.


24 વર્ષની પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી અરશદ સલીમ મલિક તેની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. જ્યારે આરોપી પરિણીત છે. તેણે 4 એપ્રિલ, 2016ના રોજ પ્રથમ વખત લગ્ન કર્યા હતા. તેણે મારાથી આ વાત છુપાવી હતી. ત્યાં સુધી કે આરોપીએ પોતાની અસલી ઓળખ પણ છુપાવી હતી.


યુવકે અસલી ઓળખ છુપાવી


યુવતીનો આરોપ છે કે, તે તેને મહારાષ્ટ્રના લાલિંગ ખાતે લઈ ગયો હતો. ત્યાં યુવતીને આરોપી યુવકની અસલી ઓળખ વિશે ખબર પડી ગઈ હતી. ઓળખ થઈ જતા આરોપી યુવકે યુવતી સાથે મારપીટ કરી હતી. ત્યાં તેણે વીડિયો બનાવી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીનો આરોપ છે કે, ત્યાર બાદ અરશદ તેને ઉસ્માનાબાદના એક ફ્લેટમાં લઈ ગયો. ત્યાં આરોપીના પિતા સલીમ બશીર મલિકે પણ યુવતી પર અત્યાચાર ગુજાર્યો હતો. આ સાથે અરશદે યુવતીનું પણ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.


પીડિતાએ આપવીતિ જણાવતા કહ્યું હતું કે, જ્યારે તેણે ધર્મ પરિવર્તનનો વિરોધ કર્યો તો આરોપી યુવકે તેને દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસની યાદ અપાવી હતી. આટલું જ નહીં યુવકે પીડિતાને ધમકી આપી હતી કે, અમે તારા 70 ટુકડા કરી નાખીશું. પોલીસે આ કેસમાં આરોપી યુવક અને તેના પિતાની ધરપકડ કરી હતી.


શું છે શ્રદ્ધા હત્યા કેસ?


ઉલ્લેખનીય છે કે, મુંબઈની શ્રદ્ધા વાકર તેના પ્રેમી આફતાબ અમીન પૂનાવાલા સાથે દિલ્હીના મહેરૌલીમાં લિવ-ઈન ફ્લેટમાં રહેતી હતી. આરોપ છે કે આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી.હત્યા બાદ આફતાબે શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી દીધા અને અલગ-અલગ દિવસે મહેરૌલીના જંગલોમાં ફેંકી દીધા. આફતાબ હાલ જેલમાં છે. આફતાબના કહેવા પ્રમાણે શ્રદ્ધા તેના પર લગ્ન માટે દબાણ કરતી હતી.