પંચમહાલઃ હાલોલ તાલુકાના તરખંડા ગામના ગુમ યુવાનની અર્ધનગ્ન હાલતમાં મળી આવેલી લાશ મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવી છે.  શૈલેષ ચાવડા નામના યુવકની તેના જ મિત્રે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બંને મિત્રોને એક જ યુવતી સાથે પ્રેમસંબંધ હતા. તેમજ બંનેને આ પ્રેમસંબંધ મુદ્દે તકરાર પણ થઈ હતી. જોકે, બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.  


દરમિયાન સાત દિવસથી ગુમ યુવકનો મૃતદેહ  ઈટવાડી ગામના કુવામાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો છે. યુવક બીજી જૂનની સવારે મોટર સાયકલ લઇ ઘરેથી નીકળ્યો હતો. ઘટના સ્થળ પાસેથી યુવકની મોટર સાયકલ મળી આવી હતી. મૃતક યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવતા યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા જતાં પોલીસે તે દિશામાં તપાસ કરીને ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. તેમજ હત્યારા યુવકને જેલભેગો કરી દીધો છે. 


હાલોલના તરખન્ડા ગામના શૈલેષ ચાવડા અને ઈંટવાડી ગામના અલ્પેશ ચાવડા બંને ગાઢ મિત્રો હતા. એક વર્ષ અગાઉ બંનેને એક જ યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જેની જાણ બંને મિત્રો વચ્ચે થઈ જતાં ઝગડો થયો હતો.  જોકે આ ઘટના બાદ બંને મિત્રો વચ્ચેના સંબધ યથાવત રહ્યા હતા. પરંતુ અલ્પેશે શૈલશ સાથે બદલો લેવાનું મનોમન નક્કી કરી લીધું હતું. 


ગત 2 જુને રોજ શૈલેષ ચાવડા પોતાના ઘરેથી બાઈક લઈ હાલોલ ડીઝલ લેવા જવાનું જણાવી નીકળ્યો હતો. એ સમયે અલ્પેશે ફોન કરીને શૈલેષને ઈંટવાડી પોતાના ખેતરમાં બોલાવ્યો હતો. તેમજ શૈલેષ આવે એ પહેલા જ અલ્પેશે તેને મોતને ઘાટ ઉતારી દેવાનું પૂર્વ આયોજિત કાવતરૂ કરી દોરડું અને તેના પિતરાઈ ભાઈને સાથે લઈ ગયો હતો.


શૈલેષ ખેતરે પહોંચતા જ બંને પિતરાઇ ભાઇઓએ તેને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેમજ દોરડા વડે બાઈક સાથે બાંધી દઈ કૂવામાં ફેંકી પુરાવાનો નાશ કરી દીધો હતો. શૈલષ સાંજ સુધી ડીઝલ લઈ ઘરે પરત નહીં પહોંચતા પરિવાર ચિંતિત બન્યો હતો. બીજા દિવસે તેના ભાઈએ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ગુમ થયા અંગે જાણ કરી હતી.


પોલીસે ગુમ થયેલા શૈલેષની શોધખોળ કરી હતી અને અલ્પેશની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેણે પોલીસ સમક્ષ શૈલેષની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી. શૈલેષના અકાળે થયેલા મોતને પગલે તેની પત્ની અને સ્વજનોમાં શોક છવાયો છે.