Bhopal Ansh Suicide: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જે દરેક માતા-પિતાને આઘાત પહોંચાડશે. અહીં, ઓનલાઈન ગેમ્સની આદતે 14 વર્ષના કિશોરનું જીવન બરબાદ કરી દીધું. ચૌદ વર્ષનો અંશ સાહુ ફ્રી ફાયરનો શોખીન હતો, તેણે 28 હજાર રૂપિયા ગુમાવ્યા. તેના માતા-પિતાના પૈસા ગુમાવવાના ડરથી, અંશે પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી.
અંશના માતા-પિતા કોઇના અંતિમ સંસ્કારમાં ગયા હતા. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા, ત્યારે તેમને તેમના એકમાત્ર પુત્રને ફાંસી પર લટકતો જોવા મળ્યો. કોઈ પણ માતા-પિતા માટે આ દ્રશ્ય અસહ્ય હોય છે પરંતુ અંશના માતા-પિતાને જે સહન કરવું પડ્યું તે અગમ્ય છે. તેમના એકમાત્ર પુત્રની ખોટથી પરિવાર સ્તબ્ધ છે.
ગેમમાં ટાસ્ક પૂર્ણ કરવાના દબાણને કારણે આત્મહત્યા?
અંશ સાહુ 8મા ધોરણનો વિદ્યાર્થી હતો અને તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી ન હતી, પરંતુ તેનો મોબાઈલ ફોન તેના રૂમમાંથી મળી આવ્યો હતો. પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું કે અંશ તેના મોબાઈલ ફોન પર ફ્રી ફાયર ગેમ રમવાનો વ્યસની હતો. ગેમમાં કોઈ ટાસ્ક પૂર્ણ કરવાના દબાણમાં તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે.આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. પિપલાણી પોલીસ સ્ટેશન હાલમાં તપાસ કરી રહ્યું છે.
ગાઝિયાબાદમાં એકસાથે ત્રણ બહેનોએ આત્મહત્યા કરી!
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભારત સિટી સોસાયટીમાં એક ટાવરના નવમા માળેથી ત્રણ સગીર બહેનોએ કૂદી પડી. ત્રણેય બહેનોના ઘટનાસ્થળે જ મોત થયા. છોકરીઓની ઉંમર માત્ર 12, 14 અને 16 વર્ષની હતી. તેઓએ એક સુસાઇડ નોટ છોડી હતી, જેમાં ખુલાસો થયો હતો કે, તેઓ મોબાઇલ ગેમ્સના પણ વ્યસની હતા. આ આત્મહત્યા બાદ, વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો છે.
