પાટણઃ ચાણસ્માની 25 વર્ષીય યુવતીએ કેનાલમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતી જે યુવકને પ્રેમ કરતી હતી, તેને અન્ય યુવતી સાથે પણ પ્રેમસંબંધ હતા. આ અંગે તેને જાણ થઈ ગયા પછી પોતાની સાથે દગ્ગો થયો હોવાનું લાગતા યુવતીએ રામગઢથી તંબોલિયા મેઇન નર્મદા બ્રાન્ચ કેનાલમાં ઝાપલાવ્યું હતું. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો. આત્મહત્યા કરતા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 


ગઈ કાલ બપોરના સમય થી ઘરેથી કહ્યા વગર યુવતી નીકળી ગયેલ હતી. યુવતીના પરિવારજનોએ કેનાલમાં શોધખોળ હાથ ધરતા આજે સવારે કેનાલના ગેટ પાસેથી યુવતીની લાશ મળી આવી હતી. યુવતીએ આત્મહત્યા પહેલા પોતાની બહેનને એક વીડિયો મોકલ્યો હતો. યુવતીના પિતાજીએ ચાણસ્મા પોલીસ મથકે યુવતી રાત્રે ઘરે પાછી નહીં આવવાની જાણવાજોગ અરજી ગુરુવારે રાત્રે આપી છે. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, 25 વર્ષીય યુવતીના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેનાથી તેને 5 વર્ષનો દીકરો પણ છે. છેલ્લા ચારેક મહિનાથી યુવતી પિયરમાં રહેતી હતી. ગુરુવારે બ્રાહ્મણવાડા ખાતે લગ્નમાં ગઈ હતી અને ત્યાંથી બપોરે નીકળી ગઈ હતી અને ઘરે પરત ફરી નહોતી. 


બીજી તરફ તેણે આત્મહત્યા કરી રહી હોવાનો વીડિયો પોતાની બહેનને મોકલ્યો હતો. યુવતીએ કેનાલમાં મોતની છલાંગ લગાવતાં પહેલાં કેનાલની દીવાલ પર બેસીને વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં યુવતીએ જણાવ્યું હતું કે, હું આ કેનાલમાં પડીને મરીશ. મારું મરવાનું એક જ કારણ છે કે વિષ્ણુ ભાભર તેનું ગામ દેલવાડા. તેણે મને લગ્નના વાયદાઓ કર્યા પછી બીજી છોકરી સાથે પ્રેમસંબંધ બાંધી મારા સાસરિયાંમાં બધે મને બદનામ કરી ક્યાંયની રાખી નહીં. એને કારણે હવે મને મરવા સિવાય બીજો કોઈ આરો નથી તે હાલ મોરબીમાં રહે છે. આશીર્વાદ હોટલમાં નોકરી કરે છે.


તેણે વીડિયોમાં જણાવ્યું છે કે, એક યુવતીને કારણે તેની જીંદગી બગડી છે. તેને સજા આપવાની પણ વીડિયોમાં માંગ કરી હતી. હું હવે રહેવાની નથી, કહી વીડિયો તેની બહેનને સેન્ડ કર્યો હતો.