પટિયાલાઃ પંજાબના પટિયાલામાં 75 વર્ષના નિવૃત્ત આર્મી મેજરની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલો પાસિયાના પોલીસ સ્ટેશન હેઠળના સંત એન્ક્લેવનો છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યારો અન્ય કોઈ નહીં પણ નોકરાણીની પુત્રી છે. તેનો ઉછેર મેજરે પોતાની પુત્રીની જેમ કર્યો હતો. તે જ યુવતીએ તેના સાથીઓ સાથે મિલકત હડપ કરવા માટે મેજરની હત્યા કરી હતી.
દ્રશ્ય જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ
એસઆઈ સોહન સિંહે જણાવ્યું કે તેઓ પોલીસ પાર્ટી સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સંત એન્ક્લેવમાં રહેતા 75 વર્ષીય મેજર જસબીર સિંહના ઘર આગળ ચીસોનો અવાજ સંભળાયો. આ પછી, જ્યારે કેટલાક લોકો બહાર આવ્યા ત્યારે પડોશીઓએ જાણ કરી. તેના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લોકોની હાજરીમાં ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા.
કામવાળીની પુત્રી મોહાલી રહેવા ગઈ ને....
દિવાલો પર લોહીના ડાઘ હતા, જ્યારે બાકીની જગ્યા પરથી લોહીના ડાઘ સાફ કરી દેવામાં આવ્યા હતા.. જોકે ઘરમાંથી કોઈ ચીજવસ્તુ ગુમ નહોતી, તેમ છતાં મેજર ગાયબ હતા. જેના કારણે પોલીસને શંકા હતી કે કંઈક ખોટું થયું છે. તેના આધારે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે મેજરની પત્ની અને પુત્રનું મૃત્યુ થયું છે, જ્યારે પુત્રી લગ્ન બાદ કેનેડામાં રહે છે. એકલા હોવાને કારણે મેજર તેમની કામવાળી પ્રિયાની પુત્રી સિમરનનો તમામ ખર્ચ ઉઠાવતા હતા. થોડા સમય પહેલા સિમરન મોહાલી ગઈ અને પીજીમાં રહેવા લાગી.
હત્યા બાદ લાશને મેજરની જ કારમાં લઈને ભાગ્યા
પોલીસના જણાવ્યા મુજબ, સિમરનં અન્ય એક છોકરી કમલ (23) અને બે યુવકો સતનામ સિંહ નિવાસી બલ્હેરી ઉન્નાઉર અને યશમનદીપ સિંહ સાથે મળીને મિલકત હડપ કરવા માટે મેજરની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ષડયંત્ર મુજબ દરેક જણ રાત્રે મેજરના ઘરે પહોંચ્યા અને હત્યા કર્યા બાદ તેમની બોડીને મેજરની કારમાં લઈ ગયા. પોલીસનો દાવો છે કે આરોપીઓએ મૃતદેહનો નિકાલ કરવા માટે તેને રાજપુરા રોડ પર ભાકરા કેનાલમાં ફેંકી દીધો હતો. હાલ તમામ ફરાર છે.