Crime News: રાજકોટના શાપરમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ ઘટના સામે આવી છે. દુષ્કર્મ આચરનાર પણ સગીર હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે સગીરની અટકાયત કરી છે. ટીવી જોવાના બહાને કારખાનાની ઓરડીમાં બોલાવીને દુષ્કર્મ હોવાની વાત સામે આવી છે. ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.  નોંધનિય છે કે, ટીવી અને મોબાઈલના કારણે નાના બાળકો આવી પ્રવૃત્તિ તરફ વળ્યા છે. છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ વધી છે. આવી ઘટનાઓ દરેક વાલીઓ માટે આઁખ ઉઘાડનારી છે.


અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા
વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા કરવામાં આવી છે. સુરતના સચિન ખાતે આવેલ લાજપોર ગામના રહેવાસી 69 વર્ષીય જગદીશ પટેલની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલીન રહેતા હતા અને તેઓ ત્યાં મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલ હતાં. ગત રોજ એક શખ્સે જગદીશભાઈની ઓફીસમાં ઘુસીને ફાયરિંગ કર્યું હતું. બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યારો ભાગી છૂટ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હત્યારો મોટેલમાં રહેતો હતો અને ભાડાં મુદ્દે માથાકૂટ થતાં હત્યા કરી હોવાનું તારણ છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે અમેરિકામાં કોઈ ગુજરાતીની હત્યા કરવામાં આવી હોય. આ પહેલા પણ અનેક ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.


અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો
અમદાવાદમાં ‘ખુન કા બદલા ખુન’ જે ઘટના સામે આવી છે. શહેરના અમરાઈવાડીમાં એક પરિવારે પુત્રની હત્યાનો બદલો લેવા યુવકની જાહેરમાં હત્યા કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક નવલેશનો ગેસના બાટલાને લઇ ગત ડિસેમ્બરમાં નટુભાઈ અને તેના પરીવાર સાથે ઝઘડો થયો હતો. આ બબાલમાં નવલેશના પિતરાઈ ગિરિરાજે કિરણ નામના યુવકની હત્યા કરી નાખી હતી. હવે આ અદાવતમાં કિરણના પરિવારે નવલેશની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી છે. આ હત્યામાં કિરણના માતા-પિતા, ભાઈ અને મિત્ર સંડોવાયેલા હોવાનું ખુલાસો થયો છે. હાલમાં અમરાઈવાડી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.