Rahman Dakait Arrested: ભારતના ગુનાખોરીના ઇતિહાસમાં એક મોટું નામ ગણાતો અને છેલ્લા 20 વર્ષથી દેશભરની પોલીસને થાપ આપી રહેલો કુખ્યાત ‘રહેમાન ડકેત’ આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) એક ગુપ્ત અને અત્યંત મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય ‘ઇરાની ગેંગ’ના સરદાર આબીદ અલી ઉર્ફે રાજુ ઈરાનીને લાલગેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. 14 રાજ્યોમાં ફેલાયેલા ગુનાહિત નેટવર્કનો આ માસ્ટરમાઇન્ડ લૂંટના પૈસાથી લક્ઝરી લાઈફ જીવતો હતો. તેની ધરપકડથી દેશભરની પોલીસને મોટી સફળતા મળી છે અને અનેક વણઉકેલાયેલા ગુનાઓના ભેદ ઉકેલાવાની શક્યતા છે.

Continues below advertisement

કોણ છે આ રહેમાન ડકેત? (Who is Rahman Dacoit)

ભોપાલના કુખ્યાત ‘ઇરાની ડેરા’ (Irani Dera) થી પોતાની ગેંગ ઓપરેટ કરતો આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેત માત્ર એક લૂંટારો નહીં, પણ એક ‘ગેંગ લોર્ડ’ તરીકે ઓળખાય છે. તે અને તેનો ભાઈ ઝાકીર અલી ગુનાખોરીની દુનિયામાંથી કમાયેલા કાળા નાણાંથી અરબી ઘોડા, સ્પોર્ટ્સ બાઇક અને મોંઘીદાટ લક્ઝરી કારનો શોખ પૂરો કરતા હતા. આ ગેંગની મોડસ ઓપરેન્ડી (Modus Operandi) ખૂબ જ ચાલાક હતી. તેના સાગરિતો ક્યારેક નકલી સીબીઆઈ (Fake CBI Officer) અધિકારી બનીને તો ક્યારેક સાધુ-મહાત્માનો વેશ ધારણ કરીને લોકોને નિશાન બનાવતા હતા.

Continues below advertisement

સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાના જણાવ્યા અનુસાર, બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલનો આ નામચીન ગુનેગાર સુરતમાં આવ્યો છે. પોલીસને તેની સામે કોઈ ગોળીબાર કરવો પડ્યો નથી અને તેને ચાલાકીથી દબોચી લેવામાં આવ્યો છે. રાજુ ઈરાની સામે મહારાષ્ટ્રમાં સંગઠિત ગુનાખોરી વિરુદ્ધનો કડક કાયદો MCOCA પણ લાગુ છે, જે તેની ખતરનાક માનસિકતા દર્શાવે છે.

ક્રૂરતાની હદ: બાતમીદારને જીવતો સળગાવી દીધો હતો

રાજુ ઈરાની માત્ર લૂંટ કરતો ન હતો, પરંતુ તે અત્યંત ક્રૂર સ્વભાવનો ગુનેગાર છે. ભૂતકાળમાં તેની ગેંગ વિરુદ્ધ બાતમી આપનાર એક વ્યક્તિને તેણે તેના જ ઘરમાં પૂરીને આખું ઘર સળગાવી દીધું હતું. આ ઘટના બાદ તે પોલીસ ચોપડે ‘મોસ્ટ વોન્ટેડ’ બની ગયો હતો. તેની ગેંગની બીજી ખાસિયત એ હતી કે જ્યારે પણ પોલીસ તેમના ડેરા પર દરોડા પાડતી, ત્યારે તેઓ મહિલાઓ અને બાળકોને ઢાલ તરીકે આગળ કરી દેતા હતા. ગત ડિસેમ્બર માસમાં ભોપાલ પોલીસે 150 જવાનો સાથે કોમ્બિંગ કર્યું હતું, ત્યારે પણ તે આવી જ રીતે છટકી ગયો હતો.

દેશભરમાં ફેલાયેલું ગુનાહિત નેટવર્ક

આરોપી રાજુ ઈરાનીનું નેટવર્ક હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિત કુલ 14 રાજ્યોમાં ફેલાયેલું છે. તે અલગ-અલગ 6 જેટલી ગેંગનો લીડર છે. તેની ગેંગમાં 3-4 લોકો લૂંટ કરે અને બીજા 3-4 લોકો તરત જ મુદ્દામાલ સગેવગે કરી દેતા, જેથી પકડાઈ જવા પર પોલીસને કંઈ જ હાથ ન લાગે. 2006 થી ગુનાખોરીની દુનિયામાં સક્રિય રાજુ સામે અપહરણ, લૂંટ, છેતરપિંડી અને આર્મ્સ એક્ટ હેઠળ અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. કોલકાતાથી લઈને પૂણે સુધી તેની ગેંગનો આતંક હતો. સુરતમાં તે કોઈ નવા ગુનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.