રાજકોટઃ ગોંડલમાં રહેતી પરણીતા પર ત્રણ મહિના પહેલા પરીચિત યુવકે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પતિને જાણ થઈ જતાં પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. પરણીતાને બેભાન હાલતમાં જ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરિચિત યુવકે પરણીતાને પરાણે હવસનો શિકાર બનાવી હોવાનો આક્ષેપ કરતાં હાલ તો પોલીસે આરોપીને જેલ હવાલે કરી દીધો છે.
આ અંગેની વિગતો એવી છે કે, આજથી ત્રણેક મહિના પહેલા ગોંડલ ખાતે રહેતી 27 વર્ષીય પરણીતાએ બપોરના સમયે એસિડ પીને પોતાના ઘરે જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરણીતાને તબિયત લથડતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ ખાતે ખસેવામાં આવી હતી. સૂસાઇડનો કેસ હોવાથી હોસ્પિટલ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીને જાણ કરવામાં આવી હતી. આ પછી ગોંડલ સિટી પોલીસને આ અંગે જાણ કરતાં ગોંડલ પોલીસ પણ રાજકોટ દોડી આવી હતી અને પોલીસે પરણીતાનું નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં પરણીતાએ જેના પર દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો છે તે ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરે છે. તેમજ અવારનવાર પરણીતાના વિસ્તારમાં ઘરે ઘરે દર્દીઓને દવા આપતો હતો. જેને કારણે તેને પરણીતા સાથે પણ સંબંધ કેળવાયો હતો અને તેમના ઘરે પણ આવતો જતો હતો. દરમિયાન ત્રણ મહિના પહેલા પરણીતા ઘરે એકલી હતી ત્યારે આ કમ્પાઉન્ડર આવી પહોંચ્યો હતો.
તેમજ પરણીતાની એકલતાનો લાભ લઈ તેની પરાણે શરીરસુખ માણ્યું હતું. પતિને આ અંગે જાણ થતા પત્નીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગોંડલ પોલીસે આરોપીને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી છે. હાલ પોલીસે IPC કલમ 354 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી રહી છે. પરિણીતા બીમાર હોય અને ખાનગી હોસ્પિટલનો કમ્પાઉન્ડર ઘર પાસે રહેતો હોય ઘણી વખત સારવાર માટે ઘરે આવતો-જતો હતો અને બંને વચ્ચે પરિચય થયો હતો.