Crime News:રાજકોટ અને ગોંડલમાં હત્યાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં પાનના ગલ્લા પાસે થયેલી બોલાચાલીમાં જયેશ ચાવડા નામના યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બીજી તરફ, ગોંડલમાં મહાવીર ટ્રેડર્સના માલિક ભરતસિંહ ડાભીની દુકાનમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. બંને ઘટનાઓને પગલે પોલીસ તપાસમાં લાગી છે.

Continues below advertisement

રાજકોટમાં પાનના ગલ્લા પાસેની બોલાચાલીમાં યુવકની હત્યા

રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તારમાં હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. પાનના ગલ્લા પાસે ઉભેલા કેટલાક યુવાનો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન જયેશ ચાવડા નામના યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા જયેશને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. હત્યાની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Continues below advertisement

ગોંડલમાં તેલના વેપારીની દુકાનમાં જ હત્યા

બીજી તરફ, ગોંડલમાં તેલના વેપારીની હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. ગોંડલના મહાવીર ટ્રેડર્સના માલિક ભરતસિંહ ડાભીની તેમની જ દુકાનમાં હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ વેપારીના મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.મળતી માહિતી અનુસાર, રાત્રે 11:30 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહેતા આસપાસના પાડોશીઓને શંકા ગઈ હતી. ત્યારબાદ તપાસ કરતાં દુકાનમાંથી ભરતસિંહ ડાભીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં મૃતકનું બાઈક પણ દુકાનમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક આશંકા મુજબ લૂંટના ઇરાદે વેપારીની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

એક જ વિસ્તારમાં બે હત્યાની ઘટનાઓથી ભયનો માહોલ

રાજકોટ શહેર અને ગોંડલમાં બનેલી હત્યાની આ બંને ઘટનાઓને પગલે વેપારીઓ અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ યુવકની હત્યાનો મામલો CCTV ફૂટેજના આધારે તપાસ હેઠળ છે, તો બીજી તરફ ગોંડલમાં તેલના વેપારીની હત્યા પાછળનું કારણ અને આરોપીઓની ઓળખ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.