Rajkot bogus doctor: રાજકોટ જિલ્લામાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સામાન્ય અને ગરીબ લોકોના અમૂલ્ય આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા નકલી ડૉક્ટરો પર પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સપાટો બોલાવીને એકસાથે કુલ 17 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે.

Continues below advertisement

પોલીસની સઘન તપાસમાં જાણવા મળ્યું છે કે આ નકલી ડૉક્ટરો ગામડાં અને નાના શહેરોમાં પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યા હતા. ગ્રામ્ય SOG દ્વારા પાટણવાવમાંથી 2, જસદણમાંથી 3, તેમજ જેતપુર તાલુકા, શાપર અને જેતપુર શહેરમાંથી 2-2 બોગસ તબીબોને પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત કોટડાસાંગાણી, મેટોડા GIDC, પડધરી અને ગોંડલ તાલુકામાંથી પણ 1-1 નકલી ડૉક્ટર ઝડપાયો છે.

માત્ર 10 કે 12 ચોપડી પાસ અને બની ગયા ડૉક્ટર!

Continues below advertisement

જ્યારે પોલીસે આ પકડાયેલા શખ્સોની શૈક્ષણિક લાયકાત અંગે ઝીણવટભરી પૂછપરછ કરી ત્યારે જે હકીકત સામે આવી તે ખરેખર ડરામણી હતી. ઝડપાયેલા કુલ 17 આરોપીઓમાંથી 3 શખ્સો તો માત્ર 10 ધોરણ જ પાસ છે. જ્યારે અન્ય 3 જણા 11 ધોરણ પાસ અને 8 શખ્સો માત્ર 12 ધોરણ પાસ હોવાનો મોટો ખુલાસો થયો છે. પકડાયેલા લોકોમાંથી માત્ર 3 જણા જ સામાન્ય ગ્રેજ્યુએટ થયેલા છે.

આ તમામ લેભાગુ લોકો અગાઉ કોઈને કોઈ મેડિકલ સ્ટોર, નાની હોસ્પિટલ કે અન્ય ક્લિનિકમાં કમ્પાઉન્ડર અથવા સહાયક તરીકે કામ કરતા હતા. ત્યાંથી દવાઓ વિશે થોડું ઘણું જોઈ-જાણીને તેમણે પોતાના સ્વતંત્ર ક્લિનિક ખોલી નાખ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંનો એક બોગસ તબીબ છેલ્લા 25 વર્ષથી અને બીજો એક 20 વર્ષથી ગેરકાયદે પ્રેક્ટિસ કરતો હતો, જ્યારે બાકીના 1 થી 7 વર્ષથી લોકોની સારવારના નામે છેતરપિંડી કરતા હતા.

3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, મેડિકલ એક્ટ હેઠળ કાર્યવાહી

કોઈપણ જાતના યોગ્ય તબીબી જ્ઞાન વગર એલોપેથી દવાથી લોકોની સારવાર કરતા આ શખ્સો પાસે સરકાર માન્ય કોઈ સર્ટિફિકેટ કે લાયસન્સ ન હતું. દર્દીઓને તપાસવા માટે જરૂરી કોઈ એલોપેથિક મેડિકલ ડિગ્રી પણ તેમની પાસે ન હતી. SOG ની ટીમે આ તમામ ક્લિનિકો પર અચાનક દરોડા પાડીને દવાઓ, ઇન્જેક્શન અને અન્ય મેડિકલ સાધનો મળીને કુલ 3 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોતાના આર્થિક ફાયદા માટે ગ્રામ્ય વિસ્તારોમાં અબુધ લોકોને ભોળવીને તેમના જીવને ભારે જોખમમાં મૂકનાર આ તમામ 17 આરોપીઓ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ કડક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા તત્ત્વો લોકોના સ્વાસ્થ્ય સાથે રમત ન કરી શકે.