અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પત્નીના આડા સંબંધો અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને 42 વર્ષીય દશરથ દેસાઈ નામના યુવકે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતકે મરતા પહેલા એક સુસાઇડ નોટ અને વીડિયો બનાવ્યો છે, જેમાં પત્ની પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે રાણીપ પોલીસે પત્ની અને તેના પરિવારજનો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કોલ ડીટેલ્સમાં ખુલ્યા પત્નીના ભોપાળા

મળતી માહિતી મુજબ, ગોતા વિસ્તારમાં રહેતા દેવશીભાઈ દેસાઈએ પોતાના ભાઈ દશરથના મોત અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દશરથના લગ્ન લગભગ 15 વર્ષ પહેલા ભગવતી નામની મહિલા સાથે થયા હતા અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. આ પરિવાર રાણીપની સુંદરવન સોસાયટીમાં રહેતો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, દશરથને પોતાની પત્નીના અન્ય પુરુષો સાથેના આડા સંબંધો વિશે જાણ થઈ ગઈ હતી. પત્નીની કોલ ડીટેલ્સ કઢાવતા તે ઘણા લોકોના સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું. આ બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને પત્ની રિસાઈને પિયર જતી રહી હતી.

Continues below advertisement
Continues below advertisement

સમાધાન છતાં સાસરિયાઓએ આપી ધમકી

દશરથ પોતાના બંને બાળકોના ભવિષ્ય માટે બધું જ સહન કરવા તૈયાર હતો. આથી અઠવાડિયા પહેલા જ પરિવાર અને સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન કરાવવામાં આવ્યું હતું અને પત્ની ફરીથી ઘરે રહેવા આવી હતી. પરંતુ, આ શાંતિ લાંબો સમય ટકી નહીં. 21 માર્ચના રોજ પત્નીના ભાઈઓ અચાનક ઘરે આવી ગયા. તેમણે દશરથ પર ખોટા આક્ષેપો લગાવ્યા, તેને ધમકીઓ આપી અને પોતાની બહેનને ફરીથી સાથે લઈ ગયા. સાસરિયાઓએ એવી પણ ધમકી આપી હતી કે તેઓ દશરથ વિરુદ્ધ ખોટા કેસ કરી દેશે.

માનસિક આઘાતમાં ભર્યું અંતિમ પગલું

આ ઘટના પછી દશરથ ભારે માનસિક તણાવ અને આઘાતમાં સરી પડ્યો હતો. ઘટનાની રાત્રે તે સવારે 5 વાગ્યા સુધી જાગતો રહ્યો અને પછી બાળકો સાથે સૂઈ ગયો હતો. ત્યારબાદ તેણે પરિવારજનોને ફોન પર કહ્યું હતું કે તે પત્નીને પાછી લાવવા જઈ રહ્યો છે. પરંતુ, 22 માર્ચની સવારે જ્યારે પરિવારે તપાસ કરી તો ઘર અંદરથી બંધ હતું. પાછળના દરવાજેથી અંદર જઈને જોયું તો દશરથ મૃત હાલતમાં લટકતો હતો.

25 લાખ રોકડા અને દાગીના ગાયબ હોવાનો આક્ષેપ

મૃતકના ભાઈ દેવશીભાઈએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે ઘરમાંથી લગભગ 25 લાખ રૂપિયા રોકડા ગુમ છે, જે તેમની પત્ની લઈ ગઈ હોવાની પૂરેપૂરી શંકા છે. આ ઉપરાંત, ઘરના અને સંબંધીઓના દાગીના પણ તે પોતાની સાથે લઈ ગઈ છે. પોલીસને ઘટનાસ્થળેથી જે સુસાઇડ નોટ મળી છે, તેમાં પત્ની સામેના આક્ષેપો, આર્થિક નુકસાન અને ઘરેલુ કંકાસનો ઉલ્લેખ છે, સાથે જ બાળકો માટે લાગણીસભર શબ્દો પણ લખાયેલા છે. આ ચિઠ્ઠીમાં કોઈ "મહેશ દેસાઈ" નામના વ્યક્તિનો ખાસ ઉલ્લેખ કરાયો છે. મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાના મોબાઈલમાં એક વીડિયો પણ બનાવ્યો હતો, જેને રાણીપ પોલીસે કબ્જે કરી વધુ તપાસ માટે FSL (ફોરેન્સિક લેબ) માં મોકલી આપ્યો છે.