Sasan Gir Fraud: જૂનાગઢ પોલીસે સાસણ ગીર જંગલ સફારી અને સિંહ સદન ગેસ્ટ હાઉસના ઓનલાઈન બુકિંગના નામે ચાલતા એક મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મેંદરડા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાનના કુખ્યાત મેવાત પ્રદેશમાંથી મુખ્ય સૂત્રધાર રાશિદ ખાન અયુબ ખાનની ધરપકડ કરી છે. આ ભેજાબાજ આરોપીએ સિંહ સદન અને ઓડિશાના જગન્નાથ મંદિર જેવી પ્રખ્યાત ધાર્મિક અને પર્યટન સ્થળોની આબેહૂબ નકલી વેબસાઈટ બનાવીને દેશભરના પ્રવાસીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. પોલીસ તપાસમાં તેની વિરુદ્ધ અન્ય 20 જેટલી ફરિયાદો પણ સામે આવી છે.

Continues below advertisement

સાસણ ગીરના RFO ની ફરિયાદથી ફૂટ્યો ભાંડો

સાસણ ગીરના સિંહ સદન અને જંગલ સફારીના બુકિંગ માટે પ્રવાસીઓ સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ સાસણના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) યશ ઉમરાણીયાએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે સિંહ સદન ગેસ્ટ હાઉસ માટે કોઈ સત્તાવાર ઓનલાઈન બુકિંગ વેબસાઈટ ન હોવા છતાં, ગઠિયાઓએ sinhsadan.org અને sinhsadan.com જેવી નકલી વેબસાઈટ બનાવીને પ્રવાસીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું.

Continues below advertisement

રાજસ્થાનના જંગલોમાંથી ઓપરેટ થતું નેટવર્ક

જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ અને ટેકનિકલ ટીમે તપાસ શરૂ કરી હતી. લોકેશન ટ્રેસ કરતા જાણવા મળ્યું કે આ રેકેટ રાજસ્થાનના ડીગ જિલ્લાના મેવાત વિસ્તારમાંથી ચાલી રહ્યું છે. પોલીસે વોચ ગોઠવીને મુખ્ય આરોપી રાશિદ ખાન (23 વર્ષ) ને ઝડપી લીધો હતો. આરોપી પોલીસથી બચવા માટે પોતાના ગામ નજીકના પહાડો અને જંગલોમાં જઈને આ ગુનાઓને અંજામ આપતો હતો અને પકડાઈ જવાના ડરે મોબાઈલ પણ ત્યાં જ છુપાવી દેતો હતો.

સ્કૂલ ડ્રોપઆઉટ પણ 'ટેકનોલોજી ગુરુ'

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી રાશિદ ખાન ભલે સ્કૂલ ડ્રોપઆઉટ હોય, પરંતુ તે ટેકનોલોજીમાં માહેર છે. તે "હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ" થી કોડિંગ શીખ્યો હતો અને પોતાના વતનમાં 'TECHDO' નામની વેબ ડિઝાઈનિંગ સંસ્થા પણ ચલાવતો હતો. ગુનાની પદ્ધતિ (Modus Operandi):

તે અસલી સરકારી વેબસાઈટ જેવી જ દેખાતી ડુપ્લિકેટ વેબસાઈટ બનાવતો.

પ્રવાસીઓને વિશ્વાસમાં લેવા માટે ફોરેસ્ટ ઓફિસર તરીકે ઓળખ આપી વોટ્સએપ કોલ કરતો.

પૈસા ટ્રાન્સફર થયા બાદ નકલી રસીદો પધરાવી દેતો.

જગન્નાથ મંદિર અને શ્રી રામ આશ્રમ પણ ટાર્ગેટ પર

આરોપીની પૂછપરછમાં ખુલ્યું છે કે તેણે માત્ર સાસણ ગીર જ નહીં, પરંતુ ઓડિશાના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને દિલ્હીના શ્રી રામ આશ્રમ જેવી સંસ્થાઓની પણ નકલી વેબસાઈટ બનાવી હતી. ભારત સરકારના NCCRP પોર્ટલ પર તેના વિરુદ્ધ 20 જેટલી અન્ય ફરિયાદો બોલે છે. વડોદરા, મહારાષ્ટ્ર, બિહાર અને તેલંગાણા સહિતના રાજ્યોના નાગરિકો તેનો શિકાર બન્યા છે.

પોલીસની આગળની કાર્યવાહી

જૂનાગઢ પોલીસે આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. હવે પોલીસ તેના બેંક એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેથી તેણે અત્યાર સુધીમાં કુલ કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે તેનો સાચો આંકડો મળી શકે. આ ઉપરાંત, આ રેકેટમાં તેની સાથે અન્ય કોણ સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવશે.

નાગરિકો માટે સાવચેતીનો સંદેશ

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રવાસન સ્થળ કે હોટેલ બુક કરતી વખતે સત્તાવાર વેબસાઈટની ખરાઈ કરવી. જે વેબસાઈટ પર '.gov.in' અથવા અધિકૃત ડોમેન હોય ત્યાં જ વ્યવહાર કરવો અને અજાણ્યા નંબર પર પૈસા ટ્રાન્સફર કરવાથી બચવું.