સુરતઃ શહેરના લિંબાયતની કોલેજીયન યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવી હતી. એટલું જ નહીં,  યુવતીના માતા-પિતા સમક્ષ પોતે ધનિક પરિવારનો હોવાની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ફરવા જવાના બહાને પોતાના ઘરે અને હોટલમાં લઇ જઇ શરીરસંબંધ બાંધ્યા હતા. જોકે, હવે યુવતીને તરછોડી દેતાં યુવક વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ લિંબાયત પોલીસમાં નોંધાઇ છે.



યુવતીને એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે પરિચય થયો હતો. પરિચય આગળ વધતા યુવકે યુવતીને પ્રપોઝ કર્યું હતું, પરંતુ યુવતીએ ઇન્કાર કરી દઇ પોતાના માતા-પિતાને મળવાનું કહ્યું હતું. જેથી યુવક યુવતીના પરિવારના સભ્યોને મળવા પહોંચી ગો હતો.  આ સમયે યુવકે પોતે કરોડપતિ હોવાનું જણાવ્યું હતું અને પોતાની પ્રોપર્ટી કેટલી છે તે અંગે જણાવ્યું હતું. યુવકની વાત સાંભળીને માતા-પિતા પણ બંનેના લગ્ન થાય તેવું વિચારવા લાગ્યા હતા. તેથી તેમણે પોતાની દીકરી સાથે મળવા દેવાની છટ આપી હતી. 



આમ, પરિવાર તરફથી છૂટ મળી જતાં યુવક પ્રેમિકાને ફરવાના બહાને પોતાના ઘરે અને વેસુની હોટલોમાં લઈ ગયો હતો. અહીં તેમણે બે દિવસ રોકાણ કર્યું હતું. આ સમય દરમિયાન બંનેએ શરીરસુખ માણ્યું હતું. આ પછી યુવક પ્રેમિકાને લઈ પોતાના ઘરે પહોંચ્યો તો તેના માતા-પિતાએ લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો તેમજ યુવતીને ઘરે મૂકી આવવાં જણાવ્યું હતું. 



જોકે, આ પછી પણ યુવક યુવતીને ફરવા લઈ જતો હતો. આ સમયે શરીરસંબંધ માટે યુવકે દબાણ કરતાં યુવતીએ ઇનકાર કરી દીધો હતો, પરંતુ તેણે તેના માતા-પિતાને જાણ કરી દેવાની ધમકી આપી પરાણે શરીરસુખ માણ્યું હતું. અંતે યુવતીએ માતા-પિતાને આ અંગે જાણ કરતાં તેમણે યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકે બબાલ કરી લગ્ન માટે ઇનકાર કરી દેતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.