Surat builder honeytrap case: સુરત શહેરમાં ધનાઢ્ય લોકોને નિશાન બનાવતી હનીટ્રેપ ગેંગનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. શહેરના એક જાણીતા કન્સ્ટ્રક્શન વ્યવસાયીને પ્રેમજાળમાં ફસાવી, તેમના ન્યૂડ વીડિયો ઉતારી લઈ બદનામ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવ્યો હતો. જોકે, બિલ્ડરે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કરતા, પોલીસે છટકું ગોઠવીને 20 લાખ રૂપિયાની ખંડણી સ્વીકારવા આવેલી યુવતી અને તેના સાગરીત વકીલને પીપલોદ વિસ્તારમાંથી રંગેહાથ ઝડપી પાડ્યા છે.
પ્રેમજાળ અને ન્યૂડ વીડિયો ક્લિપનું કારસ્તાન
સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાના જણાવ્યા અનુસાર, ફરિયાદી બિલ્ડર છેલ્લા કેટલાક સમયથી વરાછા વિસ્તારમાં રહેતી હેતલબેન વિઠ્ઠલભાઈ બારૈયા નામની યુવતીના સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં સામાન્ય મિત્રતા બાદ બંને વચ્ચે વાતચીત વધી હતી અને તેઓ અવારનવાર રૂબરૂ મળતા તેમજ વીડિયો કૉલ પર વાતો કરતા હતા. આ સમયગાળા દરમિયાન આરોપી યુવતીએ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે ફરિયાદી સાથેના અંગત પળોના વીડિયો ગુપ્ત રીતે ઉતારી લીધા હતા અને ન્યૂડ વીડિયો કૉલનું સ્ક્રીન રેકોર્ડિંગ પણ કરી લીધું હતું.
બદનામીના ડરે 42.50 લાખની તોતિંગ માંગણી
એકવાર વાંધાજનક વીડિયો હાથમાં આવ્યા બાદ, આરોપી યુવતીએ પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું હતું. તેણે બિલ્ડરને ધમકી આપી હતી કે જો તેઓ પૈસા નહીં આપે તો આ અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે અને સમાજમાં તેમની પ્રતિષ્ઠા ધૂળધાણી કરી નાખશે. બદનામીના ડર બતાવીને શરૂઆતમાં યુવતીએ બિલ્ડર પાસે 42.50 લાખ રૂપિયાની જંગી રકમની માંગણી કરી હતી. આ ગુનામાં કાયદાના જાણકાર એવા વકીલ અભિષેક સંજય શેઠીયાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી અને યુવતીને પૂરો સાથ આપ્યો હતો.
પોલીસે વોચ ગોઠવી અને વી.આર. મોલ પાસેથી રંગેહાથ ઝડપ્યા
બ્લેકમેઈલિંગ અને સતત ઉઘરાણીથી કંટાળી ગયેલા બિલ્ડરે આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડવા માટે પીપલોદના વી.આર. મોલ પાસે ખાસ વોચ ગોઠવી હતી. જ્યારે આરોપીઓ નક્કી થયા મુજબ 20 લાખ રૂપિયાની રોકડ રકમ લેવા આવ્યા, ત્યારે પોલીસે કોર્ડન કરીને વકીલ અભિષેક શેઠીયા (રહે. મંગલમ હાઈટ્સ, વેસુ) અને હેતલ બારૈયાને ઝડપી લીધા હતા.
વકીલની મુખ્ય ભૂમિકા: અન્ય બે આરોપીઓની શોધખોળ
પોલીસે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી રોકડા 20 લાખ રૂપિયા અને 3 મોબાઈલ ફોન મળી કુલ 20.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ રેકેટમાં વકીલ અને યુવતી ઉપરાંત અન્ય લોકો પણ સામેલ હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા સુરેશ પ્રજાપતિ અને અન્ય એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં મુખ્ય આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કરવામાં આવ્યા છે અને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.