• કતારગામમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની શરમજનક ઘટના.
  • મૂળ બિહારના શ્રમિક આરોપી અલી અંજરની ધરપકડ.
  • માતાની ગેરહાજરીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર આચર્યું કૃત્ય.
  • ધમકી છતાં બાળકીએ માતાને હકીકત જણાવી દીધી.
  • પોલીસે ગંભીર ગુનો નોંધી તપાસ તેજ કરી.

Surat Crime News: સુરત શહેરમાંથી ફરી એકવાર હચમચાવી દે તેવી અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં 8 વર્ષની એક માસૂમ બાળકી હેવાનિયતનો શિકાર બની છે. અહીં ચાલી રહેલા એક બાંધકામ સ્થળ (કન્સ્ટ્રક્શન સાઇટ) પર કામ કરતા શ્રમિકે બાળકીની માતાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને આ ઘૃણાસ્પદ કૃત્યને અંજામ આપ્યો હતો. જોકે, ગભરાયેલી બાળકીએ હિંમત દાખવીને સમગ્ર ઘટના પોતાની માતાને જણાવતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. કતારગામ પોલીસે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક કાર્યવાહી કરતા મૂળ બિહારના આરોપી અલી અંજર મોહમ્મદની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કતારગામ વિસ્તારમાં એક સરકારી શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે. આ કન્સ્ટ્રક્શન સાઇટ પર જ આરોપી અલી અંજર મોહમ્મદ હબુલ આલમ મજૂરી કામ કરે છે. સાઇટ પર કામ કરતા શ્રમિકો માટે ત્યાં જ કાચી ઝૂંપડીઓ બનાવવામાં આવી છે. આ દરમિયાન, જ્યારે 8 વર્ષીય બાળકીની માતા કોઈ કામ સબબ ઝૂંપડીની બહાર ગઈ હતી, ત્યારે નરાધમ અલીની નજર આ એકલી રહેલી માસૂમ પર બગડી હતી. તેણે માતાની ગેરહાજરીનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો અને બાળકીને સાઇટ પર આવેલી એક કાચી ઝૂંપડીમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

પોતાની હવસ સંતોષ્યા બાદ આરોપીએ ગભરાયેલી બાળકીને એવી ધમકી પણ આપી હતી કે, જો તે આ વાત વિશે કોઈને પણ કહેશે તો તેને જાનથી મારી નાખશે. પરંતુ, ડરેલી હોવા છતાં બાળકીએ માતા પરત ફરતા જ રડતા-રડતા પોતાની સાથે બનેલી આખી હકીકત જણાવી દીધી હતી. દીકરીની વાત સાંભળીને પરિવાર ચોંકી ઉઠ્યો હતો.

પરિવારે સહેજ પણ વિલંબ કર્યા વિના સીધા કતારગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગંભીર મામલે તાત્કાલિક ગુનો નોંધીને એક્શન લીધા અને આરોપી અલી અંજર મોહમ્મદ હબુલ આલમને દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે પકડાયેલો આરોપી મૂળ બિહારનો વતની છે. હાલમાં કતારગામ પોલીસે તેની સઘન પૂછપરછ અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.