Surat Crime News: સુરત શહેરના લિંબાયત (Limbayat) વિસ્તારમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. પતિ-પત્નીના પવિત્ર સંબંધમાં લોહી રેડાયું છે. એક પત્નીએ પોતાના પતિની ક્રૂરતા અને શારીરિક શોષણથી કંટાળીને તેની હત્યા (Murder) કરી નાખી છે. મૃતક પતિ કથિત રીતે 'સેક્સવર્ધક ગોળીઓ' (Sex Enhancement Pills) નું સેવન કરીને પત્ની પર અમાનવીય અત્યાચાર ગુજારતો હતો. જોકે, આ હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ ત્યારે નિષ્ફળ ગયો જ્યારે દફનવિધિ (Burial) ને લઈને વિવાદ થયો અને 'પોસ્ટમોર્ટમ' (Post Mortem) રિપોર્ટમાં સત્ય બહાર આવ્યું.
મુંબઈથી આવતો અને હેવાનીયત આચરતો
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મૃતક હૈદરઅલી મુંબઈમાં નોકરી કરતો હતો અને મહિનામાં એકાદવાર સુરત આવતો હતો. આરોપી પત્ની ઈશરત જહાંએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે, હૈદરઅલી જ્યારે પણ ઘરે આવતો ત્યારે તે સેક્સ પાવર વધારવાની દવાઓ ખાઈને તેની સાથે જબરદસ્તી કરતો અને તેને ત્યાં સુધી મારતો જ્યાં સુધી લોહી ન નીકળે. આ માસિક ત્રાસથી કંટાળીને પત્નીના મનમાં પતિ માટે નફરત જન્મી હતી અને તેણે પતિને કાયમ માટે પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો.
દૂધમાં ઝેર અને પછી ગળું દબાવ્યું
1 January ના રોજ રાત્રે ઈશરતે પ્લાન મુજબ પતિને હળદરવાળું દૂધ આપ્યું હતું, જેમાં તેણે ચોરીછુપીથી 'ઉંદર મારવાની દવા' (Rat Poison) ભેળવી દીધી હતી. ઝેરની અસર ધીમે-ધીમે થવા લાગી હતી. 5 January ના રોજ હૈદરઅલીની તબિયત વધુ લથડતા તેને સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital) ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.
શરૂઆતમાં પત્નીએ પતિનું મોત બીમારીથી થયું હોવાનું નાટક કર્યું હતું. પરંતુ જ્યારે ઝેરની અસરથી પતિ માત્ર નબળો પડ્યો હતો અને મર્યો ન હતો, ત્યારે ઈશરતે તેનું ગળું અને છાતી દબાવીને (Strangulation) હત્યાને અંજામ આપ્યો હતો.
દફનવિધિના ઝઘડાએ ખોલી પોલ
હૈદરઅલીના મોત બાદ તેના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો. મૃતકનો ભાઈ લાશને તેમના વતન બિહારના પૂર્વ ચંપારણ (East Champaran) લઈ જઈને દફનાવવા માંગતો હતો. પરંતુ પત્ની ઈશરત સુરતમાં જ દફનવિધિ કરવા પર અડગ રહી હતી. પત્નીની આ શંકાસ્પદ જીદ જોઈને મૃતકના ભાઈને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ અને તેણે લિંબાયત પોલીસને જાણ કરી.
પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. રિપોર્ટમાં ડોક્ટરોએ જણાવ્યું કે મોત માત્ર ઝેરથી નહીં, પણ 'Asphyxia due to compression over neck and chest' (ગળું અને છાતી દબાવવાથી શ્વાસ રુંધાવા) ને કારણે થયું છે. આ રિપોર્ટ બાદ પોલીસે ઈશરતની કડક પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો.
