સુરેન્દ્રનગરઃ લીંબડીમાં ભોગાવાના કૂવામાંથી શુક્રવારે યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ યુવતીની લાશને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ યુવતીની હત્યા કરીને લાશ કુવામાં ફેંકી દીધી હોવાનો ધડાકો થયો છે. એટલું જ નહીં, આ હત્યા બીજા કોઈ નહીં પરંતુ તેના સગા ભાઈએ જ કરી હોવાનું સામે આવ્યું છે.
બહેન દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો બદનામી થશે એ બીકે ભાઈએ જ બહેનની હત્યા કરી નાંખી હતી. અવાજ બહાર ન જાય એટલે ટીવીનું વૉલ્યુમ વધારી હત્યા કરી હતી. ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેન કરી હત્યા. દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો સમાજમાં બદનામી થશે એ બીકે ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેનના શ્વાસ રૂંધી નાખ્યા હતા. પોલીસે આ કેસમાં મૃત યુવતીના સગા ભાઈની ધરપકડ કરી છે. લીંબડીમાં 1 જુલાઈએ ભોગાવા નદીના કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો.
નયના ઉર્ફે જાગુ રાઠોડની ખૂદ તેના ભાઈ દિનેશ રાઠોડે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. તેણે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, તેઓ 5 વર્ષથી પરિવાર સાથે સાણંદ તાલુકાના સચાણા ગામે રહેતા હતા. અહીં તેની બહેનને રોહિત ઈશ્વર ઠાકોર સાથે આંખ મળી ગઈ હતી, જે તેમને મંજૂર નહોતું. આથી બહેનને પ્રેમસંબંધ તોડી નાંખવા જણાવ્યું હતું. જોકે, બહેન ન માનતા તેઓ લીંબડી રહેવા આવી ગયા હતા.
જોકે, અહીં આવ્યા પછી પણ નયના પ્રેમી રોહિત સાથે ફોન પર વાતો કરતી હતી. દરમિયાન ગત 9 જૂને નયના ઘરેથી નીકળી ગઈ હતી અને 23 જૂને ઘરે પરત ફરી હતી. 27 જૂને સંબંધીને ત્યાં પ્રસંગે હતો. ત્યારે બહેન પ્રસંગ છોડી ઘરે આવી ગઈ હતી અને કબાટમાં કશુ શોધી રહી હતી. આ સમયે ભાઈ પણ તેની પાછળ પાછળ આવ્યો હતો અને શું શોધી રહી હોવાનું પૂછતાં ડોક્યું શોધતી હોવાનું જણાવ્યું હતું. જેથી ભાઈને ઘરેણા લઈને ભાગી જવાની શંકા જતાં દુપટ્ટાથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
દિનેશે ઘરનો દરવાજો બંધ કરી ટીવીનું વૉલ્યુમ વધારીને રૂમમાં દાખલ થયો. આ પછી કબાટ ફેંદી રહેલી બહેનને પાછળથી દુપટ્ટો ખેંચી ગળું દબાવી દીધું હતું. બાજુમાં રાખેલી સેટીમાં બહેનને ઊંઘી પટકી, તેના ઉપર બેસી ગયો. તેમજ દુપટ્ટા વડે ગળું દબાવી ત્યાં જ પતાવી દીધી હતી. આ પછી બપોરે દિનેશે પ્લાસ્ટિકની કોથળીમાં બહેનના મૃતદેહને ભરી કોથળીને ઘરના પાછળના ભાગે કાઢી, દરવાજા પાછળ છુપાવી દીધો હતો. દરમિયાન બપોરે અઢી વાગ્યે તેની માતા અનુબેનનો ફોન આવ્યો હતો કે નયના અહીં ક્યાં દેખાતી નથી. દિનેશે ઘરે ન આવી હોવાનું જણાવ્યું હતું. તેમજ આ પછી દિનેશ ઘરને તાળું મારીને સંબંધીને ત્યાં પહોંચ્યો. ત્યાં બધા સાથે મળીને તે પણ નયનાને શોધવા લાગ્યો હતો.
તેમજ આ પછી મોકો મળતા બહેનનું મોઢું પ્લાસ્ટિકની કોથળીથી બાંધી દીધું. હાથ-પગ દોરી અને દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મૃતદેહ જલદી પાણી બહાર ન આવે એટલે પાણીમાં ડુબાડવા માટે નયનાના પગ વાયરોથી બાંધી સાથે કોથળીમાં રેતી ભરીને લાશને કૂવામાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં હત્યા કર્યા બાદ બીજા દિવસે બહેનનું મનગમતું મન્ચુરિન્યન લઈને કૂવામાં નાખી આવ્યો હતો.