અમરેલી: અમરેલી જિલ્લાના ખાંભાના સમઢીયાળા ગામમાંથી અંદાજે ચાર વર્ષ પહેલા સગીરાને ભગાડી જઈ વારંવાર દુષ્‍કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપીને ધારીની સ્‍પેશિયલ કોર્ટે  20 વર્ષની સજા ફટકારી છે.  ખાંભા તાલુકાના સમઢીયાળા ગામની એક સગીરાને રાજુલાના કોવાયા ગામનો છોટુ અજયસિંહ માવાડા ઉંમર વર્ષ ૨૨, મૂળ વતન બડીખટાલી, તાલુકો જોબટ, જીલ્લો અલીરાજપુર - મધ્‍યપ્રદેશ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.


આ કેસ ધારીના સ્‍પેશિયલ પોક્‍સો જજ અને બીજા એડિશનલ સેશન્‍સ જજ એમ એન શેખ સમક્ષ ચાલી ગયો હતો. જેમાં અધિક જિલ્લા સરકારી વકીલ  વિકાસભાઈ વડેરાએ આરોપીને સખતમાં સખત સજા કરવા માટે દલીલો રજૂ કરી હતી અને DNA ટેસ્‍ટ સહિતના મેડિકલ ટેસ્‍ટમાં સબળ પુરાવાઓ વકીલ તરફથી રજૂ કરવામાં આવ્‍યા હતા. કોર્ટે 18 વર્ષની નીચેની સગીર કુમળી વયની કન્‍યાઓને ભગાડી જવાના ધારી ચલાલા બગસરા અને ખાંભાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કિસ્‍સા વધ્‍યા હોય અને 18 વર્ષની નીચેની સગીર કન્‍યાને ભગાડી જવાનું કે તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રેમ સંબંધ હોવા છતાં કોઈને કોઈ પણ પ્રકારે અધિકાર મળી જતો નથી. 


પ્રેમ સંબંધના નામે કાયદાની એસીતેસી કરવાના આ પ્રકારના ગુનાને ગંભીરતાથી લેવા જોઈએ તેમ જણાવી કોર્ટે આરોપીને પોકસો એક્‍ટની કલમ 6 અનવયે 20 વર્ષની સખત કેદ તથા 2 લાખ રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સાદી જેલની સજા ભોગવવા હુકમ કર્યો છે. 


આ ઉપરાંત પોકસો એક્‍ટની કલમ 4 માં 10 વર્ષની સખત કેદ તથા 50,000/- રૂપિયાનો દંડ એમ કુલ 2.5 લાખનો દંડ કરેલ છે અને દંડ ન ભરે તો 1 વર્ષની સાદી કેદનો હુકમ કર્યો હતો. કોર્ટે ભોગ બનનારને વચગાળાના વળતર સહિત પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. 


 


યુવક હમણા આવુ કહીને ઘરેથી નિકળ્યો, ખાડામાંથી લાશ મળી


સુરેન્‍દ્રનગરના દીગસર ગામમાંથી એક યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. 40 વર્ષનો યુવક ગઇકાલે વહેલી સવારે ઘરેથી બાઇક લઇને નીકળ્‍યા બાદ ગામના   જીઇબી સ્‍ટેશન પાછળ  ખાડામાંથી હત્‍યા કરાયેલી લાશ મળી આવી હતી.  લાશને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.  હત્‍યાનો ભોગ બનનાર યુવકને  કોઇની સાથે કોઇ માથાકુટ ન હોવાનું તેના પરિવારજનો  કહી રહ્યા છે.  વહેલી સવારે કોઇનો ફોન આવ્‍યા બાદ હમણા આવું કહીને નીકળ્‍યા બાદ તેની લાશ મળી આવી હતી. હાલ તો આ હત્યાની ઘટનાને લઈ પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. હત્યાની આ સમગ્ર ઘટનામાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. 


મુળી પોલીસે હત્‍યાનો ભોગ બનનાર કેતન ઉર્ફ કડી વશરામભાઇ વાઘેલા (ઉ.વ.40)ના ભાઇ નિલેષ વશરામભાઇ વાઘેલાની ફરિયાદ પરથી અજાણ્‍યા વિરૂધ્‍ધ આઇપીસી 302, 135 મુજબ હત્‍યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.