બદાયુઃ ઉત્તર પ્રદેશના બદાયૂમાં બનેલી એક અત્યંત શરમજનક ઘટનામાં મંદિરમાં પૂજા કરવા ગયેલી મહિલા પર મંદિરના મહંત સત્યનારાયણ, તેના ચેલા વેદરામ અને ડ્રાઈવર જસપાસે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.  આ હવસખોરોએ મહિલાના ગુપ્તાંગમાં સળિયો નાંખવા જેવી વિકૃત્તિની ચરમસીમા વટાવતાં અપકૃત્ય પણ કર્યાં હતા.


બળાત્કાર અને પાશવી અત્યાચાર બાદ મહિલાને અધમૂઈ હાલતમાં તેના ઘર પાસે ફેંકીને મહંત. ચેલો તથા ડ્રાઈવર ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાઓ થતાં ઘાયલ મહિલાનું પછીથી મોત થયું હતું. પોલીસે આ કેસમાં મહંતના અપરાધ પર ઢાંકપિછોડો કરીને ફરિયાદ નહોતી લીધી. પછી મહિલાનું મોત કૂવામાં પડી જવાથી થયું હોવાનું જણાવ્યું હતું. મીડિયામાં આ ઘટનાની વિગતો આવતાં પોલીસે છેવટે ફરિયાદ લેવાની ફરજ પડી છે.

50 વર્ષની આ આંગણવાડી સહાયિકાની ગેંગરેપ બાદ હત્યા અને પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાંખીને અત્યંત ક્રુરતા આચરવાની ઘટનામાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે જ્યારે બે આરોપી અત્યારે પણ ફરાર છે. એસએસપી સંકલ્પ શર્માએ બેદરકારી દાખવનારા સ્ટેશન હેડ રાઘવેન્દ્ર પ્રતાપ સિંહને સસ્પેન્ડ કરી દીધો છે.



આ આઘાતજનક ઘટનામાં 3 જાન્યુઆરીની સાંજે 50 વર્ષની આંગણવાડી સહાયિકા મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. આ દરમિયાન મંદિરમાં રહેલા મહંત સત્યનારાયણ, ચેલા વેદરામ અને ડ્રાઇવર જસપાલે ગેંગરેપ કરીને  3 જાન્યુઆરીની રાત્રે જ પોતાની ગાડીમાં આંગણવાડી સહાયિકાની લોહીથી લથપથ લાશ તેના ઘરે ફેંકીને ફરાર થઈ ગયા હતા પરિવારે પોલીસને જાણ કરી પણ પોલીસે ફરિયાદ નહોતી નોંધી. પોલીસે પહેલાં   તો ગેંગરેપ અને બાદમાં હત્યાની ઘટનાને જૂઠી ગણાવીને કૂવામાં પડવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું.

મીડિયામાં આ સમાચાર આવતાં પોલીસે આંગણવાડી સહાયિકાના ઘરવાળાઓની ફરિયાદ પર મહંત સત્યનારાયણ, ચેલા વેદરામ તેમજ ડ્રાઇવર જસપાલ સામે ગેંગરેપ અને હત્યાની કલમોમાં કેસ નોંધ્યો. જો કે પોલીસે 4 જાન્યુઆરીના આંગણવાડી સહાયિકાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ના કરાવીને 5 જાન્યુઆરીએ લગભગ 48 કલાક બાદ કરાવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ આગંણવાડી સહાયિકા પર ગેંગ રેપ થયો હોવાની વાતને સમર્થન મળ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાના શરીર પર ગંભીર ઇજાના નિશાન છે. સાથે જ પ્રાઇવેટ પાર્ટમાં સળિયા જેવી ચીજ નાંખ્યાની વાત પણ બહાર આવી છે. આંગણવાડી સહાયિકાની પાંસળી અને ફેફસાંમાં પણ નુકસાન થયું છે.