Valsad digital arrest scam: આજના ડિજિટલ યુગમાં જો તમને કોઈ અજાણ્યો ફોન આવે અને સામેવાળો વ્યક્તિ પોતાને CBI કે પોલીસ અધિકારી ગણાવીને તમને ડરાવે, તો સાવધાન થઈ જજો! વલસાડના ઉમરગામમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 69 વર્ષીય સિનિયર સિટિઝનને સાયબર ઠગોએ 'ડિજિટલ અરેસ્ટ' કરી લીધા હતા. ખોટા મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાનો ડર બતાવીને આ ગઠિયાઓએ વૃદ્ધ પાસેથી 1 કરોડ 11 લાખ રૂપિયા પડાવી લીધા છે. જોકે, ફરિયાદ મળતાં જ પોલીસે ગણતરીના દિવસોમાં આ આંતરરાજ્ય ગેંગના 4 સાગરીતોને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે.

નકલી સુપ્રીમ કોર્ટનો ઓર્ડર બતાવીને પડાવ્યા પૈસા

ઉમરગામમાં રહેતા 69 વર્ષીય આલોક કુમાર મૈતી પર અજાણ્યા ઈસમોએ ફોન કર્યો હતો. આ ઠગોએ પોતાની ઓળખ TRAI, CBI અને ક્રાઇમ બ્રાન્ચના મોટા અધિકારી તરીકે આપી હતી. તેમણે આલોક કુમારને ડરાવતા આરોપ લગાવ્યો કે, 'નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસ'માં તમારું ઓળખપત્ર (ID Proof) અને બેંક એકાઉન્ટ સંડોવાયેલા છે. ડરનો માહોલ ઊભો કરવા માટે તેમણે વીડિયો કોલ દ્વારા વૃદ્ધને 'ડિજિટલ કસ્ટડી'માં રાખ્યા અને સુપ્રીમ કોર્ટના નકલી ઓર્ડર પણ બતાવ્યા. આ રીતે ડરાવી ધમકાવીને તેમણે વૃદ્ધ પાસેથી ટુકડે-ટુકડે કુલ 1,11,11,111 રૂપિયા પડાવી લીધા.

Continues below advertisement
Continues below advertisement

સુરતથી 4 આરોપીઓની થઈ ધરપકડ

પોતાની સાથે થયેલી આટલી મોટી છેતરપિંડીની જાણ થતાં જ આલોક કુમારે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ શરૂ કર્યું, જેમાં ખબર પડી કે આ કરોડો રૂપિયા સુરત અને દેશના અન્ય રાજ્યોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે. વલસાડ પોલીસે સુરતના કતારગામ વિસ્તારમાં દરોડા પાડીને 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં મુકેશ અનંતભાઈ પોળેકર (જે નાણાં ઉપાડીને કમિશન લેતો હતો) અને નિર્મળ નીતિનભાઈ સોલંકી (જે બેંક કીટ અને નાણાં દુબઈ મોકલવાનું કામ કરતો હતો) નો સમાવેશ થાય છે.

20 લાખ રૂપિયા પરત અપાવવાની કાર્યવાહી શરૂ

પોલીસે સતર્કતા દાખવીને ફ્રોડમાં ગયેલી રકમમાંથી 20,94,991 રૂપિયા બેંકમાં જ હોલ્ડ કરાવી દીધા છે અને તે રકમ ફરિયાદીને પરત અપાવવાની કાર્યવાહી ચાલી રહી છે. સાયબર ક્રાઈમ પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે કે, ફોન પર કોઈ પોલીસ કે અધિકારી બનીને ડરાવે તો ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. કાયદામાં આવી કોઈ જ 'ડિજિટલ અરેસ્ટ'ની જોગવાઈ હોતી નથી, તેથી તરત જ તમારી નજીકની પોલીસનો સંપર્ક કરો અને લૂંટાતા બચો.