સુરત:  સુરત શહેરમાં અવારનવાર હત્યા અને લૂંટની ઘટનાઓ સતત બનતી રહે છે.  સુરતના મહિધરપુરા વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. હત્યાના કેસમાં મહિલા સહિત બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.


વહેલી સવારે અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી


અહેવાલ અનુસાર, સુરતના મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલી સુરત રેલવે પાર્સલ ઓફિસ નજીકથી વહેલી સવારે અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટના અંગે જાણ થતા પોલીસ  સ્થળ પર પહોંચી હતી.  પોલીસે લાશનો કબજો લઈ તેનો પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. 


મૃતકની ઓળખ મેળવવા માટે મહિધરપુરા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. જે ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.  પોલીસ તપાસ દરમિયાન મૃતકનું નામ શેરૂ ભવાની સિંઘ યાદવ તરીકે સામે આવ્યું હતું.જે યુવક સુરતના ભરથાણા વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.


લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો


મહિધરપુરા પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે,  શેરૂ ભવાની સિંઘ યાદવની પત્ની મમતા યાદવને રામુ યાદવ નામના યુવક જોડે છેલ્લા છ માસથી પ્રેમ સંબંધો હતા. આ કારણે  પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. પ્રેમી રામુ યાદવ અને પ્રેમિકા મમતા યાદવે પોતાના પતિને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. પતિ શેરૂ ભવાનીસિંહ યાદવને માથાના ભાગે લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં હત્યારા પ્રેમી-પ્રેમીકાએ ઘટના પર પડદો પાડવા માટે રેલ્વે સ્ટેશન નજીક આવેલી પાર્સલ ઓફિસ પાસે લાશને ફેંકી દિધી હતી.  હત્યાની ઘટનામાં સંડોવાયેલા બંને પ્રેમી-પ્રેમિકાને મહિધરપુરા પોલીસની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. 


પતિનો કાંટો કાઢવા હત્યાની ઘટનાને અંજામ આપ્યો


સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં બનેલી આ હત્યાની ઘટનામાં પ્રેમ સંબંધોનો કરુણ અંજામ આવ્યો છે. જેમાં બંને પ્રેમી અને પ્રેમિકાએ પોતાની વચ્ચે રહેલા પતિનો કાંટો કાઢવા હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial