લખનઉ: ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં શનિવારે સવારે પાંચ વાગ્યે એક કાળજુ કંપાવતી ઘટના બની જેણે લોકોને ચોંકાવી દીધા છે. અહીં એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ તેના પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી અને પછી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. 


આ મામલાને લઈને સીતાપુરના SSP ચક્રેશ મિશ્રાએ જણાવ્યું કે આજે મથુરામાં રામપુર પોલીસને માહિતી મળી હતી કે અનુરાગ સિંહ નામના એક વ્યક્તિએ પોતાની જાતને ગોળી મારીને કથિત રીતે પોતાના પરિવારના 5 લોકોની હત્યા કરી છે. પોલીસ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે. દરેક પાસા પર કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. માનસિક રીતે બીમાર વ્યક્તિની ઉંમર 45 વર્ષ હોવાનું કહેવાય છે.






પાલ્હાપુરમાં ગત રાત્રે ખેડૂત વિરેન્દ્ર સિંહના પુત્ર અનુરાગ સિંહે આ હત્યાને અંજામ આપ્યો હતો. માનસિક રીતે અસ્વસ્થ અનુરાગ સિંહ, માતા સાવિત્રી દેવી (62),  પત્ની પ્રિયંકા સિંહ (40), પુત્રી આશ્વી (12), પુત્ર અનુરાગ અને પુત્રી અર્ના (08)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આદવિક (04)નું ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ અનુરાગ સિંહ (45) એ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. સવારે આ ઘટનાની માહિતી મળતાં જ સમગ્ર ગામમાં અફરા-તફરી મચી ગઈ હતી.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવકે માતા, પત્ની અને બાળકોની નિર્દયતાથી હત્યા કરી હતી, જેનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આરોપીએ તેની માતાને ગોળી મારી હત્યા કરી હતી જ્યારે તેણે તેની પત્નીને હથોડાથી માર મારી મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટના મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્હાપુર ગામની જણાવવામાં આવી રહી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.


ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક જ પરિવારના 6 લોકોના મોતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સીઓ દિનેશ શુક્લા પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે હાજર છે. હવે પોલીસ તપાસ બાદ જ હત્યા પાછળનું કારણ જાણી શકાશે.