Gujarat Educational News: રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા GCAS - ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તરફથી મળેલી રજૂઆતોને આધારે રાજ્ય સરકાર દ્વારા GCAS પોર્ટલ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે.



આ નિર્ણયો અંગે માહિતી આપતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે જણાવ્યું હતું કે, આગામી તા. ૪ જુલાઈ થી ૬ જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તા. ૧ જુલાઈ થી ૩ જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સની નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે, તેમની અરજી સુધારવા ત્રીજા રાઉન્ડ માટે GCAS પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, GCAS પોર્ટલ પર પ્રથમ રાઉન્ડ અંતર્ગત સ્નાતક કક્ષાના ૧.૩૨ લાખ અને અનુસ્નાતક કક્ષાના ૩૧,૩૬૩ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ગત તા. ૨૭ જૂનથી ૨૯ જૂન સુધી બીજા રાઉન્ડ માટે GCAS પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બંને રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૩.૪૨ લાખ વિદ્યાર્થીઓને એડમિશન ઓફર આપી દેવામાં આવી છે. આ વિદ્યાર્થીઓએ આગામી તા. ૧ થી ૩ જુલાઈ સુધી તેમને ફાળવેલી કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. ત્રીજો રાઉન્ડ અંતિમ રાઉન્ડ રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

અગ્ર સચિવે કહ્યું હતું કે, GCAS પોર્ટલ મારફત કોલેજ-યુનિવર્સિટીઓમાં વિવિધ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઈલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી કે કોલેજ ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી/કોલેજની કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકશે.
 
આ ઉપરાંત તેમણે કહ્યું કે, GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થી દ્વારા કોલેજ-યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલ હોય અને પોતાનો પ્રવેશ કોઈ કારણસર રદ કરાવવા ઈચ્છતા હોય તો તેવા વિદ્યાર્થીઓએ સંબંધિત યુનિવર્સિટી કે કોલેજમાં જઈ પોતાના પ્રવેશ રદ કરાવી શકશે.
 
GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ દ્વારા B.Ed. પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ હોય પરંતુ વિદ્યાર્થી પ્રવેશ મેળવેલ વિષય, શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી ફેરફાર કરવા ઈચ્છતા હોય તો, તે સંબંધિત યુનિવર્સિટી/કોલેજ ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી/કોલેજ કક્ષાએ ફેરફાર કરી શકશે.


Education Loan Information:

Calculate Education Loan EMI