Latest Gujarat Educational News: ગુજરાતની પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે મૌખિક જાહેરાતને બદલે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા અને રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાને ધ્યાને લઈ વધુમાં વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા બે માસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, RTE રૂલ્સ બન્યા પછી ત્રણ વર્ષમાં શિક્ષકોની ભરતી ખાસ કરીને ધો-૬ થી ૮માં વિષયવાર શિક્ષકોની ભરતી અને માળખાકીય સુવિધા પુરી કરવાની જવાબદારી રાજ્ય સરકારની બને છે પણ, રાજ્ય સરકાર દ્વારા બાર વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયા છતાં કાયદાનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું નથી. રાજ્યમાં ૪૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. માળખાકીય સુવિધાની દૃષ્ટિએ ૩૮,૦૦૦ જેટલા વર્ગ ખંડોની ઘટ છે. જે વર્ગખંડો છે તેમાં પણ મોટી સંખ્યામાં વર્ગખંડો જર્જરીત છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટે ૧૧ મહિનાના કરાર (કોન્ટ્રાક્ટ) થી નિમણુંક કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપ સરકાર દ્વારા કાયમી શિક્ષકને બદલે કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવાની યોજના ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયક માટે પુનઃ જાહેરાત આપવામાં આવી છે. ટેટ-ટાટ પાસ થયેલ હજારો ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે પણ, સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવુ કેટલા અંશે વ્યાજબી ? ગુજરાત સરકારે જે આધાર લઈને જ્ઞાન સહાયક યોજના જાહેર કરેલ છે તે રાષ્ટ્રિય શિક્ષણ નિતિ-૨૦૨૦ માં પેઈજ નં. ૨૨, પોઈન્ટ નં. ૫૧૭ માં સ્પષ્ટ પણે કાયમી શિક્ષકો નિમણુંકની જોગવાઈ છે તો પછી કોન્ટ્રાક્ટ આધારે જ્ઞાન સહાયક યોજના કેમ ?
કાયમી શિક્ષકોની ભરતી માટે જ્યારે જ્યારે વ્યાપક રજુઆતો થાય છે ત્યારે આક્રોશ ઠંડો પાડવા શિક્ષણમંત્રી દ્વારા વિધાનસભા ગૃહમાં અને સમૂહ માધ્યમોમાં મૌખિક જાહેરાતો કરવામાં આવે છે પણ, મૌખિક જાહેરાત મુજબ સત્તાવાર ભરતી કરવામાં આવતી નથી. તાજેતરમાં પાંચ-પાંચ વર્ષથી શિક્ષક બનવા માટે રાહ જોઈ રહેલા ગુજરાતના ટેટ-ટાટ પાસ યુવાનોએ તાત્કાલીક ભરતી પ્રક્રિયા હાથ ધરવાની માંગ સાથે ગાંધીનગરમાં આક્રોશ સાથે પ્રદર્શન કર્યુ ત્યારે ફરી એકવખત ભરતી પ્રક્રિયા માટે મૌખિક જાહેરાત કરવામાં આવી જેને અનેક દિવસો વિતી ગયા છતાં આજદિન સુધી સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું નથી. જે ગુજરાતના યુવાન-યુવતિઓ સાથે વધુ એક છેતરપીંડી છે. વિદ્યા સહાયક અને શિક્ષક સહાયક ભરતી માટે જાહેરનામું તો ના આવ્યું પણ ઉલટાનું કરાર આધારીત જ્ઞાન સહાયકની જાહેરાત પ્રકાશીત કરવામાં આવી તે કેટલે અંશે વ્યાજબી? જે સરકાર વારંવાર જ્ઞાન સહાયકને વૈકલ્પિક વ્યવસ્થા ગણાવે છે તે શા માટે કાયમી ભરતીના ભોગે આવી જાહેરાતો કરી રહ્યું છે ? રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ ગુજરાતના યુવાન-યુવતિઓ સાથે રમત રમવાનું બંધ કરે.
પ્રાથમિક - માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે.
રાજ્યનો શિક્ષણ વિભાગ જે રીતે એક પછી એક પગલા / યોજના જાહેર કરી રહી છે તેનાથી શિક્ષણ વ્યવસ્થા સુધારાને બદલે વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં શિક્ષણ મંત્રીશ્રી દ્વારા મૌખિક જાહેર કરેલ ભરતી અંગે તાત્કાલીક સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવે. રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને ધ્યાને લઈ વધુમાં વધુ સંખ્યાનો સમાવેશ કરવામાં આવે અને વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા બે મહિનાની સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે જેથી વર્ગખંડમાં શિક્ષક ઉપલબ્ધ થાય અને ગુજરાતના બાળકોને શિક્ષણ મળી શકે.
Education Loan Information:
Calculate Education Loan EMI