ICAI Result: ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI), ICAI CA ફાઈનલ અને CA ફાઉન્ડેશન ડિસેમ્બર 2021 ની પરીક્ષાઓના પરિણામો  ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 ના રોજ બહાર પાડવામાં આવ્યા છે. લાખો વિદ્યાર્થીઓ તેમના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ફાઈનલ એક્ઝામમાં સુરતની રાધિકા બેરીવાલાએ ઓલ ઈન્ડિયા રેન્ક-1 મેળવીને માત્ર સુરત જ નહીં ગુજરાતનું પણ નામ રોશન કર્યુ છે.


રાધિકાની અનોખી સિદ્ધી


રાધિકાએ સૌ પ્રથમવાર 800માંથી દેશમાં પ્રથમવાર નવા અભ્યાસક્રમમાં સૌથી વધુ 640 માર્ક મેળવ્યાં છે. સુરતમાંથી પણ પ્રથમવાર સૌથી વધુ માર્ક મેળવવાની સિદ્ધિ પણ રાધિકાના નામ પર જાય છે. રાધિકા અને તેનો પરિવાર આજે એક લગ્નપ્રસંગમાં ગયો હતો તે સમયે જ CA ફાઈનલ્સના રિઝલ્ટની જાણ થઈ હતી. આ પરિણામ જાણીને પરિવારમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો હતો. તેમાં પણ રાધિકાનો ઓલ ઈન્ડિયા રેન્ક-1 આવ્યો હોવાનું જણાતા પરિવારજનો તથા મિત્રોના અભિનંદનના ફોન પર ફોન આવવા લાગ્યા હતા.




રાજસ્થાનનો છે પરિવાર


રાધિકાએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતાં બેરીવાલા પરિવારમાં ખુશીની લાગણી ફરી વળી હતી. પરિવારે દીકરીની ખુશીને વધાવી લીધી હતી. સાથે જ દીકરીનું મોં મિઠાઈથી મીઠું કરાવીને આગળના અભ્યાસ ક્રમમાં પણ સફળ રહેવા માટે શુભકામના આપી હતી. રાધિકાના પિતા ચૌટમલ છેલ્લા અઢી દાયકાથી સુરતમાં સ્થાયી થયા છે. મૂળ રાજસ્થાનના ઝૂંઝૂનું જિલ્લાના વતની એવો રાધિકાનો પરિવાર ટેક્સટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલો છે.


ક્યાં જોઈ શકાય છે પરિણામ


 ICAI દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, વિદ્યાર્થીઓ caresults.icai.org, icai.nic.in, icai.org, icaiexam.icai.org પર તેમના પરિણામો ચકાસી શકે છે. પરિણામ તમામ વેબસાઈટ પર એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. ICAI પરિણામની સાથે વિદ્યાર્થીઓનું સ્કોર કાર્ડ પણ બહાર પાડવામાં આવ્યું છે. ICAI એ બે દિવસ પહેલા CA પરિણામ 2022 ની તારીખ વિશે જાણકારી આપી હતી.




પરિણામ કેવી રીતે જાણશો


વિદ્યાર્થીઓએ નોંધ લેવી જોઈએ કે તેમનું CA ફાઈનલ અથવા ફાઉન્ડેશન સ્કોર કાર્ડ મેળવવા માટે તેઓએ ઉપરોક્ત કોઈપણ વેબસાઇટની મુલાકાત લીધા પછી પરિણામ વિભાગમાં જવું પડશે જ્યાં તેમના સંબંધિત અભ્યાસક્રમના પરિણામની લિંક સક્રિય કરવામાં આવી છે. આ લિંક પર ક્લિક કરીને, વિદ્યાર્થીઓ ICAI CA પરિણામ 2022 પૃષ્ઠ પર જઈ શકશે, જ્યાં તેઓએ તેમનો રોલ નંબર ભરીને સબમિટ કરવાનો રહેશે.


આ પછી, વિદ્યાર્થીઓ તેમના CA પરિણામ 2022 અને સ્કોર કાર્ડ સ્ક્રીન પર જોઈ શકશે, જેની પ્રિન્ટ લીધા પછી વિદ્યાર્થીઓએ તેની સોફ્ટ કોપી પણ સાચવવી જોઈએ. ઉપરાંત, તમારો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ હાથમાં રાખો. જેમણે ઈ-મેલ પર તેમના પરિણામ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓને પરિણામ ઓનલાઈન ઉપલબ્ધ થયા બાદ સંબંધિત ઈ-મેલ પર મોકલવામાં આવશે.




Education Loan Information:

Calculate Education Loan EMI