ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ-1 માં મફત પ્રવેશની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ આગામી 4 એપ્રિલથી 17 એપ્રિલ 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. માત્ર અમદાવાદમાં જ 14,000 થી વધુ બાળકોને આ યોજનાનો લાભ મળશે. આ વર્ષે મહત્તમ 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો જ અરજી કરી શકશે. આ મામલે શિક્ષણ વિભાગે લાલ આંખ કરતા DEO રોહિત ચૌધરીએ ચેતવણી આપી છે કે, જો કોઈ વાલી ખોટી આવક દર્શાવશે તો બાળકનો પ્રવેશ રદ કરી તેમની સામે સીધો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે.
ફોર્મ ક્યારે અને ક્યાં ભરવું?
આખી પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન જ રાખવામાં આવી છે. વાલીઓએ 4 એપ્રિલ 2026 (શનિવાર) થી લઈને 17 એપ્રિલ 2026 (શુક્રવાર) સુધીમાં આરટીઈની સત્તાવાર વેબસાઇટ https://rte.orpgujarat.com પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને માત્ર પોતાની પાસે સાચવી રાખવાની છે, તેને ક્યાંય જમા કરાવવા જવાની જરૂર નથી. છેલ્લી ઘડીએ સર્વર ડાઉન થવાની સમસ્યાથી બચવા વાલીઓએ વહેલી તકે ફોર્મ ભરી દેવું હિતાવહ છે.
બાળકની ઉંમર અને આવક મર્યાદાના નિયમો
RTE માં પ્રવેશ મેળવવા માટે બાળકે 1 જૂન 2026 ના રોજ 6 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. સાદી ભાષામાં સમજીએ તો, બાળકની જન્મ તારીખ 2 જૂન 2019 થી 1 જૂન 2020 ની વચ્ચે હોવી ફરજિયાત છે. આ ઉપરાંત, વાલીની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ અને આ માટે 1-4-2023 પછી કઢાવેલો આવકનો દાખલો રજૂ કરવો પડશે.
ખોટી આવક દર્શાવનાર વાલીઓ સાવધાન!
અમદાવાદના DEO રોહિત ચૌધરીએ એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, કેટલાક વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પોતાના ઇન્કમટેક્સ રિટર્નની સાચી માહિતી છુપાવે છે. જો પાછળથી પુરાવા સાથે એવી ફરિયાદ મળે કે વાલીની આવક 6 લાખ કરતાં વધુ છે, તો તેવા બાળકની એડમિશન તાત્કાલિક રદ કરી દેવાશે. એટલું જ નહીં, આવા વાલીઓ સામે છેતરપિંડીનો ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે. જેથી વાલીઓને ખાસ વિનંતી છે કે બધી જ વિગતો સાચેસાચી ચકાસીને જ ફોર્મમાં ભરે.
ફોર્મ ભરતા પહેલા આ ડૉક્યુમેન્ટ્સ સ્કેન કરીને તૈયાર રાખવા:
બાળકનું આધારકાર્ડ (નામ એક જ લાઈનમાં હોવું જોઈએ)
બાળકનો જન્મનો દાખલો (નામનો સ્પેલિંગ આધારકાર્ડ સાથે મેચ થવો જરૂરી છે)
માતા-પિતાનું આધારકાર્ડ
રહેઠાણનો પુરાવો (આના આધારે જ ઘરથી 6 કિ.મી. ની અંદરની શાળાઓ પસંદ કરી શકાશે)
આવકનો દાખલો (એપ્રિલ 2023 પછીનો)
બાળકના નામની બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો
જાતિનો દાખલો અને BPL કાર્ડ (જો લાગુ પડતું હોય તો)
એડમિશનમાં કોને પહેલી પ્રાથમિકતા મળશે? (Priority List)
સરકારે પ્રવેશ ફાળવવા માટે કુલ 13 અલગ-અલગ કેટેગરી નક્કી કરી છે. જેમાં ક્રમશઃ નીચે મુજબ અગ્રતા અપાશે:1. અનાથ બાળકો2. સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો3. બાલગૃહના બાળકો4. બાળ મજૂર5. દિવ્યાંગ બાળકો6. ART ટ્રીટમેન્ટ લેતા બાળકો7. શહીદ જવાનના બાળકો8. જેમને માત્ર એક જ સંતાન હોય અને તે દીકરી હોય9. BPL કુટુંબના બાળકો10. SC/ST કેટેગરીના બાળકો11. SEBC/EWS કેટેગરીના બાળકો12. આંગણવાડીમાં ભણતા બાળકો13. સામાન્ય (General) કેટેગરી.
Education Loan Information:
Calculate Education Loan EMI