Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રાધિકા ખેડા અને અભિનેતા શેખર સુમન બંને મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. નોંધનીય છે કે શેખર સુમન તાજેતરમાં જ 'હિરામંડી' વેબ સીરિઝમાં જોવા મળ્યો હતો.


શેખર સુમન વેબ સીરિઝ હીરામંડીને લઇને ચર્ચામાં છે. શેખર સુમન હવે ભાજપમાં જોડાઈ ગયા છે. શેખર સુમને વર્ષ 2009માં શત્રુઘ્ન સિંહા સામે પટના સાહિબથી ચૂંટણી લડી હતી. શેખર સુમને દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે વિનોદ તાવડેની હાજરીમાં બીજેપીનું સભ્યપદ લીધું હતું. શેખર સુમન એવા સમયે ભાજપમાં જોડાયા છે જ્યારે દેશમાં પહેલેથી જ લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જો કે, શેખર સુમન ભવિષ્યમાં ચૂંટણી લડશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.


આ દિવસોમાં શેખર સુમન તેની તાજેતરમાં રીલિઝ થયેલી વેબ સીરિઝ હીરામંડીની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ સીરિઝ નેટફ્લિક્સ પર આ મહિને રિલીઝ કરવામાં આવી છે. હીરામંડીમાં શેખર સુમનની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ સીરિઝમાં શેખર સુમનની સાથે તેનો પુત્ર અધ્યયન સુમન પણ જોવા મળશે. તેમના સિવાય સોનાક્ષી સિન્હા, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, અદિતિ રાવ હૈદરી, શર્મિન સેગલ, ફરીદા જલાલ અને ફરદીન ખાન મહત્વના રોલમાં જોવા મળ્યા છે.


શેખર સુમન પણ સીરિઝમાં મનીષા કોઈરાલા સાથેના ઈન્ટિમેટ સીન માટે ચર્ચામાં છે. તેમણે આ સીન વિશે જણાવ્યું હતું કે સંજય લીલા ભણસાલીએ છેલ્લી ક્ષણે આ સીનમાં ફેરફાર કર્યો હતો.






કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા સંયોજક રાધિકા ખેડાએ છત્તીસગઢ કોંગ્રેસના સંચાર વિભાગના અધ્યક્ષ સુશીલ આનંદ શુક્લા પર ગંભીર આરોપ લગાવતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. રાધિકાએ કહ્યું હતું કે સુશીલે મને દારૂની ઓફર કરી હતી. તેણે રાત્રે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો.






કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવા પર રાધિકા ખેરાએ કહ્યું હતું કે મેં હંમેશા સાંભળ્યું છે કે કોંગ્રેસ રામ વિરોધી, સનાતન વિરોધી અને હિંદુ વિરોધી છે, પરંતુ મેં ક્યારેય માન્યું નથી. મહાત્મા ગાંધી દરેક સભાની શરૂઆત 'રઘુપતિ રાઘવ રાજા રામ'થી કરતા હતા. મને સત્ય ત્યારે ખબર પડી જ્યારે હું મારી દાદી સાથે રામ મંદિર ગઇ અને ત્યાંથી પાછી ફર્યા પછી મેં મારા ઘરના દરવાજા પર 'જય શ્રી રામ' ઝંડો લગાવ્યો અને ત્યારપછી કોંગ્રેસ પાર્ટી મને નફરત કરવા લાગી હતી. જ્યારે પણ હું તસવીરો કે વીડિયો પોસ્ટ કરતી ત્યારે મને ઠપકો આપવામાં આવતો અને પૂછવામાં આવતું કે ચૂંટણી ચાલી રહી છે ત્યારે હું અયોધ્યા કેમ ગઇ હતી.