અમદાવાદ: કોંગ્રેસની ટીકિટ પરથી રાધનપુર બેઠક જીતનાર અને પ્રથમવાર ધારાસભ્ય બનનાર અલ્પેશ ઠાકોરે લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો. કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપીને જાહેરમાં કોંગ્રેસની નીતિની અલ્પેશ ઠાકોર આકરી ટીકા કરી છે.



અલ્પેશ ઠાકોરના પિતા અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ખોડાજી ઠાકોરને કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરવાના ભાગરૂપે લોકસભાની ચૂંટણીના પ્રચાર તેમજ તમામ પક્ષીય બાબતોથી દૂર રાખવાનો પ્રદેશ હાઈકમાન્ડે આદેશ કર્યો છે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ બીજી તરફ ભાજપ સાથે સોદાબાજી કરી રહેલા અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોરે પણ ભાજપના કેટલાંક આગેવાનો સાથે મોટી સોદાબાજી કરી છે. અમદાવાદ જિલ્લા સાથે સંકળાયેલી ગાંધીનગર, ખેડા અને સુરેન્દ્રનગર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવારોને ઠાકોર સમાજના મત મેળે તેવી ગોઠવણ પણ કરી છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધનીય છે કે, અલ્પેશ ઠાકોરે જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે એવી ચર્ચાઓ થતી હતી કે અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર આ ત્રણેય નેતાઓ ભાજપમાં જોડાવાના છે. જોકે અલ્પેશ ઠાકોરે આ વાત તદ્દન ખોડી ગણવી હતી.

બીજી બાજુ ઠાકોર સેનામાં પણ ઉથલપાથલ થઇ રહી છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં ભાભર તાલુકામાં ઠાકોર સેનામાં ભંગાણ થતાં ભાભર શહેર ઠાકોર સેનાના પ્રમુખ સહીત 25 કાર્યકરોએ ઠાકોર સેનામાંથી રાજીનામાં ધરી દીધાં છે. એટલું જ નહીં તમામે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું.