Punjab Result: પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ જાહેર કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે એ નક્કી છે. આ ચૂંટણીમાં સૌથી મોટી વાત એ છે કે આપની આંધીમાં ભાજપ અને કોગ્રેસના દિગ્ગજ નેતાઓ હાર્યા છે. જેમાં સૌથી મોટું નામ સીએમ ચરણજીત સિંહ ચન્નીનું છે, જેઓ પોતાની બંને સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે ભદૌર બેઠક પરથી મુખ્યમંત્રીને હરાવનાર ઉમેદવાર કોણ છે ?
ચન્નીને 37 હજારથી વધુ મતોથી હરાવ્યા
પંજાબના મુખ્યમંત્રીને મોબાઈલ રિપેરિંગની દુકાનમાં કામ કરતા વ્યક્તિએ હાર આપી છે. આ વાત પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે પરંતુ આ વાત સત્ય છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીના આ ઉમેદવારનું નામ છે લાભ સિંહ ઉગોકે છે. જેમણે ચરણજીત સિંહ ચન્નીને 37,558 મતોના જંગી અંતરથી હરાવ્યા હતા. આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર પાસે કેટલી સંપત્તિ છે અને તેમના ઘરમાં કોણ શું કામ કરે છે તેની જાણકારી મેળવીએ.
માતા સફાઈ કામદારનું કામ કરે છે, પિતા મજૂરી કરે છે
પંજાબની ભદૌર વિધાનસભા બેઠક પરથી ચરણજીત સિંહ ચન્ની સામે ચૂંટણી લડી રહેલા લાભ સિંહ ઉગોકે પંજાબમાં મોબાઈલ રિપેરિંગની દુકાનમાં કામ કરે છે. એટલું જ નહીં તેની માતા સરકારી શાળામાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. જ્યારે પિતા ખેતરોમાં કામ કરે છે. આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલે જીત બાદ આ જ માહિતી આપતા કહ્યું કે, સામાન્ય માણસ વિચારે છે કે તે શું કરી શકે છે, પરંતુ જો તે ઈચ્છે તો સામાન્ય માણસ કંઈ પણ કરી શકે છે.
ચૂંટણીના સોગંદનામામાં લાભ સિંહ ઉગોકે પોતાની મિલકત તરીકે હીરો હોન્ડા મોટરસાઇકલનો ઉલ્લેખ કર્યો છે, જે તેણે લગભગ 8 વર્ષ પહેલા ખરીદી હતી. ટિકિટ મળ્યા બાદ લાભ સિંહ ઉગોકે દાવો કર્યો હતો કે તેઓ મુખ્યમંત્રી ચન્નીને હરાવીને ઈતિહાસ રચશે.