Elelction Result 2022 : પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. આ પાંચ રાજ્યમાં પંજાબમાં AAP અને અન્ય ચાર રાજ્ય ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બનશે. જાહેર થયેલા ચૂંટણીના પરિણામોમાં અનેક ઉથલપાથલ જોવા મળી અને મોટા દિગ્ગજો ચૂંટણી હારી ગયા. આ પરિણામોએ ઘણા રાજકીય નેતાઓ માટે નિરાશા લાવ્યાં.  આ ચૂંટણીમાં બે વર્તમાન અને પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓને પોતપોતાની બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે.  


ચરણજીતસિંહ ચન્ની અને  પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રીપદેથી આપ્યું રાજીનામું 
પંજાબના તો એવા હાલ થયા કે ત્યાં મુખ્યમંત્રી  ચરણજીતસિંહ ચન્ની હારી ગયા તો ઉત્તરાંખડમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ ચૂંટણી હારી ગયા. પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ભદૌર અને ચમકૌર બે બેઠક પર ચૂંટણી લડયા હતા અને બંને બેઠક પરથી ચૂંટણી હારી ગયા. તો ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ખટીમા બેઠક પરથી ચૂંટણી હારી ગયા.  પંજાબમાં ચરણજીતસિંહ ચન્ની અને ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. બંને નેતાઓએ રાજ્યપાલને મળી પોતાનું રાજીનામુ સુપ્રત કર્યું છે. 


ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ફરી બનશે મુખ્યમંત્રી ?
પંજાબમાં આમ આદમી પાર્ટીના ભગવંત માન મુખ્યમંત્રી બનશે, તો બીજી બાજું ઉત્તરાખંડમાં હાર્યા બાદ પણ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ફરી એક વાર મુખ્યપ્રધાન બનશે એવું કહેવામાં આવી રહ્યું છે. 


ઉત્તરાખંડમાં સતત ત્રીજી વાર સીટિંગ મુખ્યમંત્રી હારી ગયા 
ઉત્તરાખંડમાં 2012થી અત્યાર સુધી મુખ્યમંત્રી પોતાની વિધાનસભા સીટ બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. પહેલા 2012માં ભુવનચંદ્ર ખંડુરી, પછી 2017માં હરીશ રાવત અને હવે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી રહીને પોતાની વિધાનસભા સીટ બચાવી શક્યા નથી. ધામીની હાર સાથે એ ચર્ચા પણ તેજ થઈ ગઈ છે કે હવે ઉત્તરાખંડમાં ભાજપનો સીએમ ચહેરો કોણ હશે.