તિરુવનંતપુરમઃ કેરાલાના તિરુવનંતપુરમના હાલના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરુર મંદિરમાં પૂજા કરતી વખતે પડી ગયા, જેના કારણે તેમને ગંભીર રીતે ઇજા પહોંચી છે. સારવાર માટે તેમને તિરુવનંતપુરમની જનરલ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. તેમને માથાના ભાગે ઊંડો ઘા પડતા છ ટાંકા આવ્યા હોવાના પણ સામાચાર છે. મંદિરમાં શશી થરૂર તુલાભરમ પૂજા કરી રહ્યાં હતા.


તુલાભરમ એવી પૂજા છે જે કેરાલામાં કેટલાક ગણ્યાગાંઠ્યા મંદિરોમાં જ થાય છે. આ પૂજામાં પોતાના વજનના બરાબર ચઢાવો ચઢાવવામાં આવે છે. દેવી-દેવતાને જે કંઇપણ અર્પિત કરવુ હોય છે, તેને પહેલા પોતાના વજન જેટલુ તોલવામાં આવે છે. મંદિરમાં વજન માટે મોટા મોટા મશીનો પણ લગાવેલા હોય છે.



શશી થરુર આ વખતે પણ તિરુવનંતપુરમથી કોંગ્રેસના ઉમેદવાર છે. આ બેઠક પરથી થરૂર બે વખત લોકસભા પહોંચ્યા છે. હાલમાં તેમની ટક્કર બીજેપી નેતા અને મિઝોરમના પૂર્વ રાજ્યપાલ કુમ્માનેમ રાજશેખરન અને સીપીઆઇ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી સી. દિવાકરણ સાથે છે.