ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે હવે કોંગ્રેસે અલ્પેશ ઠાકોર વિરદ્ધ પગલાં ભરવાના શરૂ કર્યા છે. આજે અલ્પેશ ઠાકોર મામલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યું હતું.




કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ અને શૈલેષ પરમાર સહિત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અધ્યક્ષને મળ્યું હતું અને અલ્પેશ ઠાકોર અને પબુભા માણેકને ધારાસભ્ય પદેથી દૂર કરવા રજૂઆત કરી હતી. તો હવે જોવાનું એ રહ્યું કે અલ્પેશનું ધારાસભ્યપદ રહે છે કે જતું રહે છે.

અગાઉ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. પક્ષ છોડવાની જાહેરાત કર્યાંના ચાર દિવસ બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે 10 એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલી આપ્યું હતું. ત્યારબાદ બનાસકાંઠાના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી કાર્ય કરતાં કોંગ્રેસે તેની સામે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો.

હવે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કોંગ્રેસની કવાયતમાં ફરીથી હલચલ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે વિધાનસભા સચિવને મળીને અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી હટાવવા રજૂઆત કરી હતી.

નોંધનીય છે કે, રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરતાં અલ્પેશ ઠાકોરે આ મુદ્દે કોંગ્રેસને ચિમકી ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે, હું રાધનપુર ધારાસભ્ય પદેથી કોઈપણ ભોગે રાજીનામું આપવાનો નથી. મને જનતાએ જીત અપાવી છે.