Lok Sabha Election Results 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ દરમિયાન મધ્યપ્રદેશની ઈન્દોર લોકસભા સીટ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. અહીં NOTAએ સૌથી વધુ બે લાખ મતો મળ્યા છે અને બીજેપી ઉમેદવાર શંકર લાલવાણીએ પણ દેશની સૌથી મોટી જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો છે.
ઈન્દોરમાં ત્રણ રેકોર્ડ બનાવ્યા
- બીજેપીના શંકર લાલવાણીને 12 લાખ 26 હજાર 751 વોટ મળ્યા. ભાજપે અહીં પોતાનો અગાઉનો રેકોર્ડ તોડ્યો છે. દેશમાં સૌથી વધુ મત મેળવ્યા છે.
- સાંસદ શંકર લાલવાણીએ દેશની સૌથી મોટી જીત હાંસલ કરી છે. વિનિંગ માર્જિન 1,00,8077 છે. આ પહેલા 2019માં સૌથી મોટી ગુજરાતની નવસારી બેઠકના નામે હતી. ત્યાં નવસારી બેઠક પરથી ભાજપના સીઆર પાટીલ 6.90 લાખ મતોથી જીત્યા હતા.
- દેશમાં પહેલીવાર NOTA ને 2,18,674 વધુ વોટ મળ્યા છે. અત્યાર સુધી દેશમાં રેકોર્ડ બિહારની ગોપાલગંજ સીટના નામે હતો. અહીં 2019માં દેશમાં સૌથી વધુ 51,600 વોટ મળ્યા હતા.
ઈન્દોરના પરિણામોની દેશભરમાં ચર્ચા
ઈન્દોરમાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બામે ચૂંટણી પહેલા પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું. જેના કારણે કોંગ્રેસ ઈન્દોરમાં ચૂંટણી લડી શકી ન હતી. કોંગ્રેસે લોકોને નોટા પર મત આપવા અને વિરોધ નોંધાવવાની અપીલ કરી હતી. પરિણામોમાં ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી 11 લાખ મતોથી આગળ છે. અગાઉ 2019 માં, ભાજપના સીઆર પાટીલે ગુજરાતની નવસર બેઠક 6,89,668 મતોથી જીતીને અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી હતી.
ગુજરાતમાં ગેનીબેને રોકી ભાજપની હેટ્રિક
ગુજરાતની તમામ 26 બેઠક જીતીને હેટ્રિક કરવાનું ભાજપનું સપનું અધૂરું રહ્યું છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ છે. બનાસની બેન ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. આ સાથે લોકસભામાં 2014 બાદ કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું ખૂલી ગયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા હતા.
શક્તિસિંહ ગોહિલે કહ્યું, ભાજપના અહંકારની પડતીની શરૂઆત બનાસકાંઠાથી થઇ છે. ગુજરાતીઓનો આભાર માનું છું, ભાજપે લોકશાહીને કલંકિત કરી છે. ભાજપે કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ બંધ કરી દીધા હતા, પાટણમાં રી કાઉન્ટીંગની માંગ કરી છે, જરૂર પડે ઇલેક્શન પિટિશન દાખલ કરીશું. અબકી બાર ૪૦૦ પારનો અહંકાર ભાજપે દર્શાવ્યો હતો. કોંગ્રેસ પક્ષે લોકોના સમર્થનથી ચૂંટણી લડ્યા. ચૂંટણીમાં કોંગ્રસના ૧૧ ખાતા ફ્રીઝ કરી દીધા હતા. નતમસ્તક થઈ દેશની જનતાનો આભાર માનું છું.
મતદાતારોએ નક્કી કર્યું કે લોકતંત્રમાં નાગરિકો મહત્વના હોય છે, ખેલમાં સમાન વ્યવસ્થા બંને તરફ હોવી જોઈએ. બનાસની બહેન હવે દેશની બહેન બની છે, બનાસની બહેનનો અવાજ હવે લોકસભામાં ગુંજશે.
ગુજરાત અને દેશની જનતાને સલામ છે. કોંગ્રેસના કાર્યકરોએ ખિસ્સાના રૂપિયા કાઢી ખર્ચ કર્યો. આ ઉપરાંત તેમણે કહ્યું, ઉમેદવારોને અભિનંદન કે તેમણે પાંચ લાખનો અભિમાન તોડ્યો. ભાજપ પાસે ૧૦ વર્ષ સુધી એક હથ્થુ સાસન રહ્યું, એમણે સાથીપક્ષો સાથે કરેલો વ્યવહાર યોગ્ય નહોતો. NDAમાં સાથે રહેલા પક્ષો હવે સાથે રહે એવું મને નથી લાગતું. NDA ના સાથી પક્ષોને અન્ય ઘટકદળો સાથે જોડવાનો મોકો મળશે તો જોડાઈ શકે છે.