West Bengal Attack On BJP Candidate: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળના ઝારગ્રામથી ભાજપના ઉમેદવાર પ્રણત ટુડુની ટીમ પર જોરદાર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમના સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. પાર્ટીએ આનો આરોપ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકર્તાઓ પર લગાવ્યો.
ભાજપે આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકરોએ એ સમય હુમલો કર્યો જ્યારે રાજ્યના પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ગઢબેટા વિસ્તારમાં મતદાન મથકની મુલાકાત લીધી, કેમ કે, ત્યાંના મતદારોને ડરાવવાની ફરિયાદ સામે આવી હતી.
ઘટનાનો વીડિયો સામે આવ્યો છે
આ ઘટનાના વીડિયોમાં ભીડ પથ્થરમારો કરતી અને બીજેપી ઉમેદવાર, તેની સુરક્ષા અને કેટલીક મીડિયા ટીમોનો પીછો કરતી જોવા મળે છે. જ્યારે તેના પર હુમલો થયો, ત્યારે તેના સુરક્ષા કર્મચારીઓએ તરત જ પ્રતિક્રિયા આપી અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. આ ઘટનામાં ભાજપ નેતાની કારની પણ તોડફોડ કરવામાં આવી હતી.
ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે
ટુડુ આ લોકસભા બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના કાલીપદ સોરેન અને સીપીઆઈ (એમ)ના સોનામણી સામે ચૂંટણી લડી રહ્યા છે. દરમિયાન, ભાજપના આરોપોને નકારી કાઢતા, ટીએમસીએ આરોપ લગાવ્યો કે ટુડુના સુરક્ષા કર્મચારીઓએ એક મહિલા પર હુમલો કર્યો અને મારપીટ કરી. ટીએમસીએ કહ્યું કે એક મહિલા ગરબેટામાં મતદાન કેન્દ્રની બહાર પોતાનો મત આપવા માટે કતારમાં રાહ જોઈ રહી હતી, જ્યાં આ ઘટના બની હતી.
પાર્ટીએ માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભાજપની મહિલા વિરોધી નીતિ હવે શબ્દો સુધી સીમિત નથી રહી, તે હવે તેમના કાર્યોમાં સ્પષ્ટ છે. મહિલાઓનું અપમાન કરનારા કેન્દ્રીય દળોથી માંડીને ભાજપના ઉમેદવાર પ્રણત ટુડુના સુરક્ષાકર્મીઓ મતદાનની રાહ જોઈ રહેલી મહિલા પર શારીરિક હુમલો કરે છે, બંગાળની માતાઓ અને બહેનો પર તેમના હુમલા દિવસેને દિવસે વધુ બેશરમ બની રહ્યા છે. જ્યારે વડા પ્રધાન પોતે જ તેમના અયોગ્ય વર્તનથી વાતાવરણ બનાવે છે, ત્યારે આપણે તેમના અધિકારીઓ પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકીએ?