Lok Sabha Elections 2024: લોકસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થાય તેવી શક્યતા છે. 2019ની ચૂંટણીની જેમ આ ચૂંટણીઓ પણ સાત તબક્કામાં યોજાય તેવી શક્યતા પણ છે... લોકસભા ચૂંટણીની સાથે સાથે ઓડિશામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના આયોજનની તૈયારી પણ ચૂંટણી પંચ કરી ચૂક્યુ છે. લોકશાહીના ઉત્સવમાં વધુમાં વધુ મતદાતાઓને ભાગ લેવા મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે આપેલી જાણકારી પ્રમાણે, સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આશા સેવાઈ રહી છે કે ટુંક સમયમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે.


ગુજરાતમાં ક્યારે યોજાઈ શકે છે મતદાન


પ્રથમ તબક્કાનું મતદાન માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં અથવા તો એપ્રિલ મહિનામા પ્રથમ અઠવાડિયામાં થઈ શકે છે. સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને બોર્ડ અને શાળાની પરીક્ષા શક્ય બને એટલી વહેલા પૂર્ણ કરવા સરકારનો સૂચના પણ અપાઈ ચૂકી છે. ખાસ કરીને ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ લગાવવા સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશનું પાલન કરવાની સૂચના પણ ચૂંટણી પંચે આપી દીધી છે. ગુજરાતની 26 બેઠકો માટે ત્રીજા કે ચોથા તબક્કામાં મતદાન યોજાય તેવી શક્યતા છે.. જો કે ચૂંટણીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાતની તમામ રાજકીય પક્ષો રાહ જોઈ રહ્યા છે.


ગુજરાતમાં ભાજપની 26 સીટની હેટ્રિક લાગશે કે નહીં?


2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતે લોકસભાની તમામ 26 બેઠક પર વિજય મેળવ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રાજ્યમાં તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 સીટ કબ્જે કરીને જીતની હેટ્રિક લગાવવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, જેના ભાગરૂપે તમામ લોકસભા સીટોના ઉદ્ધાટન કરીને ચૂંટણીની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે.


2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત પ્રચંડ વિજય મેળવ્યો હતો. ભાજપે 303 સીટ જીતી હતી, જ્યારે તેના નેતૃત્વવાળા ગઠબંધન NDAએ લોકસભાની 542 બેઠકમાંથી 354 પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને 90 સીટ પર વિજય મેળવ્યો હતો, જેમાં કોંગ્રેસે 52 અને DMKએ 23 સીટ પર વિજય મેળવ્યો હતો. 2019માં કુલ 7 તબક્કામાં મતદાન થયું હતું અને 23 મે 2019ના રોજ તમામ 543 બેઠકોના પરિણામ જાહેર થયા હતા.


રાજકીય રીતે અત્યંત મહત્વના ગણાતા ઉત્તર પ્રદેશમાં 2019માં ભાજપે 62 સીટ જીતી હતી, જ્યારે તેના સહયોગી પક્ષ અપના દલે 2 સીટ પર વિજય મેળવ્યો છે, આ રીતે NDAનો કુલ આંકડો 64 થયો હતો. આ ગઠબંધન ઉપરાંત સમાજવાદી પાર્ટીએ 5, બસપાએ 10 સીટ પર વિજય મેળવ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 71 બેઠકોપર વિજય મેળવ્યો હતો.