Lok Sabha Elections: કોગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વલસાડના ધરમપુરમાં જનસભા સંબોધિત કરી હતી. તેમણે ભાજપ પર બંધારણ બદલવાના આરોપો પણ લગાવ્યા હતા. રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતુ કે ઇન્દિરાજી દુર્ગમ વિસ્તારોમાં પણ આદિવાસીઓ વચ્ચે પહોંચતા હતા. જનતા સર્વોપરી તે કૉંગ્રેસની પરંપરા છે. ભાજપને સત્તાની ચિંતા, જનતાની નહીં. નામ લીધા વગર પ્રિયંકા ગાંધીએ ગૌતમ અદાણી પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ સરકારે દેશના બંદરો અને એરપોર્ટ આપી દીધા. વડાપ્રધાન મોદીએ ગરીબોના નહીં, કરોડપતિ મિત્રોના રૂપિયા માફ કર્યા છે.
‘ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાતો કરે છે’
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે શરૂઆતમાં ના પાડનાર ભાજપની નીયત બંધારણ બદલવાની છે. ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાતો કરે છે. લોકશાહી અને દેશની જનતાને ભાજપ દુર્બળ બનાવવા માંગે છે. 10 વર્ષમાં લોકશાહીને નિર્બળ બનાવવાનો પ્રયાસ કરાયો છે. સ્વાયત સંસ્થાઓને નિર્બળ બનાવવાનો પ્રયાસ કરાયો છે. પ્રિયંકા ગાંધીએ મીડિયાને નિર્બળ બનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
‘ગરીબોને ન્યાય અપાવવા રાહુલે ન્યાય યાત્રા કાઢી’
પ્રિયંકાએ મીડિયા પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે ટીવી પર દેખાતા દ્રશ્યો અને જમીની હકિકત અલગ છે. મોંઘવારી સહિતના મુદ્દાઓને મહત્વ આપવામાં આવતું નથી. આજના દિવસે સૌથી વધુ બેરોજગારી છે. આદિવાસીઓના જમીન અને જંગલ છિનવાયા છે. જ્યા જ્યા ભાજપની સરકાર ત્યા આદિવાસીઓ પર અત્યાચાર થાય છે. અનંત પટેલ સંઘર્ષ સાથે આગળ વધી રહ્યા છે. ગરીબોને ન્યાય અપાવવા કૉંગ્રેસે ન્યાય પત્ર બનાવ્યુ છે. ગરીબોને ન્યાય અપાવવા રાહુલે ન્યાય યાત્રા કાઢી હતી.
‘કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરી સરકારી રોજગાર અમે આપીશુ’
વધુમાં તેમણે કહ્યું કે વાપી સહિતના વિસ્તારોમાં ભારે પ્રદૂષણ છે. વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીની સુવિધા નથી. માછીમારો માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી. કૉંગ્રેસની સરકાર બનશે તો માછીમારોના આઈકાર્ડ બનશે. કૉંગ્રેસની સરકાર બનશે તો સરકારી નોકરીઓ ભરાશે. મનરેગા યોજના કૉંગ્રેસની સરકારે શરૂ કરી છે. કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરી સરકારી રોજગાર અમે આપીશુ.
મોંઘવારી અને બેરોજગારી મુદ્દે પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે ચૂંટણી આવે છે ત્યારે જ ભાજપને ગરીબો માટે હમદર્દી થાય છે. ચપટી વગાડતા યુદ્ધ રોકાવનાર ચપટી વગાડી મોંઘવારી ઘટાડે. બંધારણે તમામને એક સમાન અધિકાર આપ્યો છે. જળ,જંગલ અને જમીનનો અધિકાર બંધારણે આપ્યો છે.