Lok Sabha Election Results 2024: ગુજરાતની તમામ 26 બેઠક જીતીને હેટ્રિક કરવાનું ભાજપનું સપનું અધૂરું રહ્યું છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ છે. બનાસની બેન ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.

  આ સાથે લોકસભામાં 2014 બાદ કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું ખૂલી ગયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા હતા.


શક્તિસિંહ ગોહિલે કહ્યું, અહંકારની પડતીની શરૂઆત બનાસકાંઠાથી થઇ છે. ગુજરાતીઓનો  આભાર માનું છું, ભાજપે લોકશાહીને કલંકિત કરી છે. ભાજપે કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ બંધ કરી દીધા હતા, પાટણમાં રી કાઉન્ટીંગની માંગ કરી છે, જરૂર પડે ઇલેક્શન પિટિશન દાખલ કરીશું.


બનાસની બહેન હવે દેશની બહેન બનીઃ શક્તિસિંહ


અબકી બાર ૪૦૦ પારનો અહંકાર ભાજપે દર્શાવ્યો હતો. કોંગ્રેસ પક્ષે લોકોના સમર્થનથી ચૂંટણી લડ્યા. ચૂંટણીમાં કોંગ્રસના ૧૧ ખાતા ફ્રીઝ કરી દીધા હતા. નતમસ્તક થઈ દેશની જનતાનો આભાર માનું છું. મતદાતારોએ નક્કી કર્યું કે લોકતંત્રમાં નાગરિકો મહત્વના હોય છે, ખેલમાં સમાન વ્યવસ્થા બંને તરફ હોવી જોઈએ. બનાસની બહેન હવે દેશની બહેન બની છે, બનાસની બહેનનો અવાજ હવે લોકસભામાં ગુંજશે.


NDA ના સાથી પક્ષોને અન્ય ઘટકદળો સાથે જોડવાનો મોકો મળશે તો જોડાઈ શકેઃ શક્તિસિંહ


ગુજરાત અને દેશની જનતાને સલામ છે. કોંગ્રેસના કાર્યકરોએ ખિસ્સાના રૂપિયા કાઢી ખર્ચ કર્યો. આ ઉપરાંત તેમણે કહ્યું, ઉમેદવારોને અભિનંદન કે તેમણે પાંચ લાખનો અભિમાન તોડ્યો. ભાજપ પાસે ૧૦ વર્ષ સુધી એક હથ્થુ સાસન રહ્યું, એમણે સાથીપક્ષો સાથે કરેલો વ્યવહાર યોગ્ય નહોતો. NDAમાં સાથે રહેલા પક્ષો હવે સાથે રહે એવું મને નથી લાગતું. NDA ના સાથી પક્ષોને અન્ય ઘટકદળો સાથે જોડવાનો મોકો મળશે તો જોડાઈ શકે છે.