Lok Sabha Elections:  ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 543 લોકસભા બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને છેલ્લું મતદાન 1 જૂનના રોજ થશે.છેલ્લી વખત લોકસભાની ચૂંટણી 2019માં થઈ હતી. જ્યાં ભાજપે 303 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી હતી.


છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં રાજકારણના ક્ષેત્રમાં ઘણા યુવાનો આવ્યા છે. ધીરે ધીરે દેશના રાજકારણમાં પણ યુવાનોનો રસ વધવા લાગ્યો છે.જો તમે પણ ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છો. જો તમને પણ લોકસભા ચૂંટણી માટે નોમિનેશન ભરવાનું મન થાય. તો ચાલો તમને જણાવીએ કે લોકસભા ચૂંટણી લડવા માટેના નિયમો અને પ્રક્રિયા શું છે.


ભારતીય બંધારણની કલમ 84 (B) મુજબ લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની ઉંમર 25 વર્ષની હોવી જોઈએ. સૌથી પહેલા તમારે રિટર્નિંગ ઓફિસર પાસે જઈને નોમિનેશન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે.જો તમે કોઇ રાષ્ટ્રીય પક્ષમાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છો તો તમારે એક પ્રસ્તાવની જરૂર છે. જ્યારે તમે અપક્ષ તરીકે ચૂંટણી લડવા માંગો છો તો તમારે 10 પ્રસ્તાવકોની જરૂર પડશે.


લોકસભાની ચૂંટણીમાં ઊભા રહેવા માટે ઉમેદવારે 25000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ જમા કરાવવી પડશે. જો ઉમેદવારને આ વિસ્તારમાં કુલ મતદાનના છઠ્ઠા ભાગના મત ન મળે તો આ ડિપોઝીટ જપ્ત થઇ જાય છે.


જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 4(ડી) મુજબ, જે વ્યક્તિનું નામ સંસદીય મતવિસ્તારની મતદાર યાદીમાં નથી તે ચૂંટણી લડી શકે નહીં. તેમજ કોઈપણ કેસમાં બે વર્ષ કે તેથી વધુ સજા થઈ હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.


ચૂંટણીમાં સિક્યોરિટી ડિપોઝીટ કેટલી જમા કરાવવી પડે છે? 


લોકસભા ચૂંટણીમાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ 25,000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડે છે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોએ 12,500 રૂપિયા જમા કરાવવાના રહે છે. વિધાનસભા ચૂંટણીમાં સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 10,000 રૂપિયા જમા કરાવવાના રહે છે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 5,000 રૂપિયા જમા કરવાના રહે છે.


સિક્યોરિટી ડિપોઝિટ ક્યારે જપ્ત થાય છે?


ચૂંટણી પંચ અનુસાર ઉમેદવારે જે સીટ પર ઉમેદવારી નોંધાવી છે તેમાં થયેલા કુલ મતદાનના 1/6 એટલે કે 16.66 ટકા મત ન મળે, તો ડિપોઝીટ જપ્ત કરવામાં આવે છે. ઉમેદવારને છઠ્ઠા ભાગથી વધારે મત મળે ત્યારે સિક્યોરિટી ડિપોઝીટ પરત આપવામાં આવે છે. આ ઉપરાંત વિજેતા ઉમેદવારને પણ તેના રૂપિયા પરત કરવામાં આવે છે.જો કોઈ ઉમેદવારનું મતદાન પહેલા મૃત્યુ થાય તો તેના પરિવારને રૂપિયા પરત કરવામાં આવે છે. ઉમેદવારની અરજી રદ કરવામાં આવે અથવા ઉમેદવાર અરજી પાછી ખેંચે તો સિક્યોરિટી ડિપોઝિટ પરત આપવામાં આવે છે.