કોલકત્તાઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જીએ બંગાળ સરકાર વિરુદ્ધ રાહુલ ગાંધી દ્ધારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, તે હાલમાં બાળક છે. મમતા બેનર્જીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ એ જ કહ્યું છે જેનો તેમણે અનુભવ કર્યો છે. હું તેના પર કોઇ ટિપ્પણી કરીશ નહી. તે હાલમાં બાળક છે. હું આ અંગે શું કહીશ?
ન્યૂનતમ આવક અંગેના રાહુલ ગાંધીના વચન અંગે પૂછવા પર મમતા બેનર્જીએ કહ્યું કે, કોગ્રેસે એક જાહેરાત કરી છે અને અમારા માટે તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. નોંધનીય છે કે તાજેતરમાં જ પશ્વિમ બંગાળમાં રેલી દરમિયાન રાહુલ ગાંધી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને લેફ્ટ પાર્ટી પર વરસ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હવે મમતા બેનર્જી અને લેફ્ટ પાર્ટીઓ વચ્ચે કોઇ ખાસ અંતર નથી રહ્યું. તૃણમુલ કોગ્રેસ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, તે કેવી સરકાર ચલાવી રહી છે જ્યાં ફક્ત તેમને બોલવાનો અધિકાર છે અને અન્ય કોઇને બોલવાનો અધિકાર નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં બંગાળમાં કાંઇ બદલાયું નથી. લેફ્ટ સરકારમાં જે રીતે લોકોને નિશાન બનાવવામાં આવતા હતા એ જ રીતે મમતાની સરકારમાં પણ લોકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે.