મહારાષ્ટ્રના લાતુરમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીના હેલિકોપ્ટરની તપાસ કરતા પહેલા ચૂંટણી અધિકારીઓએ ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરની તપાસ કરી હતી.
નીતિન ગડકરી મંગળવારે લાતુર જિલ્લાના ઔસા વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર અભિમન્યુ પવારના સમર્થનમાં પ્રચાર કરવા આવ્યા હતા. આ દરમિયાન ચૂંટણી પંચની ટીમ ત્યાં પહોંચી અને અધિકારીઓએ તેમના હેલિકોપ્ટર અને બેગની તપાસ કરી હતી.
શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે દાવો કર્યો હતો કે તેઓ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં પહોંચ્યા હતા. આ દરમિયાન ચૂંટણી અધિકારીઓએ તેમની બેગની તપાસ કરી હતી. ઉદ્ધવે તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ચૂંટણી અધિકારીઓ તેમની બેગ તપાસતા જોવા મળે છે.
આ પહેલા સોમવારે ચૂંટણી પંચના અધિકારીઓએ ઉદ્ધવના હેલિકોપ્ટરનું પણ નિરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ તેઓ ગુસ્સે થઈ ગયા હતા. ચૂંટણી પંચના અધિકારીઓએ યવતમાલ જિલ્લાના વાની હેલિપેડ પર ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસવાની માંગ કરી હતી. જેના કારણે ઉદ્ધવ ઠાકરે ગુસ્સે થઈ ગયા અને કર્મચારીઓની પૂછપરછ કરતા વીડિયો રેકોર્ડિંગ કરવા લાગ્યા હતા. તેમણે પૂછ્યું કે શું તેઓએ સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની બેગની પણ તલાશી લીધી છે. તેમણે વધુમાં પૂછ્યું કે શું તેઓ પીએમ મોદી અને અમિત શાહની મહારાષ્ટ્રની રેલીઓમાં મુલાકાત દરમિયાન તેમની બેગની પણ તપાસ કરશે.
20મી નવેમ્બરે મતદાન થશે
નોંધનીય છે કે મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો માટે 20મી નવેમ્બરે મતદાન થશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. ગત ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. જો કે ચૂંટણી બાદ શિવસેના એનડીએથી અલગ થઈ ગઈ અને એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા.